Translate to...

ગાંગુલી BCCI અધ્યક્ષ રહેશે કે કૂલિંગ ઓફ પીરિયડમાં જશે, તેના પર સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય લેશે

ગાંગુલી BCCI અધ્યક્ષ રહેશે કે કૂલિંગ ઓફ પીરિયડમાં જશે, તેના પર સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય લેશે




બોર્ડ ઓફ ક્રિકેટ ફોર કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)એ તેના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની મુદત વધારવા અને બોર્ડના બંધારણમાં સુધારો કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અંગે આજે નિર્ણય આવવાનો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પદ સંભાળનાર ગાંગુલીનો જુલાઇ અને શાહનો (જૂનમાં) કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. બંનેએ ત્રણ વર્ષ ફરજિયાત બ્રેક (કૂલિંગ ઓફ પીરિયડ) પર જવું પડશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સ્પોટ ફિક્સિંગ કેસના અરજદાર આદિત્ય વર્મા BCCIના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં ગાંગુલી અને જય શાહના કૂલિંગ ઓફ પીરિયડ હટાવવાના મામલે તેમના વકીલ વિરોધ નહિ કરે.બિહાર ક્રિકેટ એસોસિએશન (CAB) ના સેક્રેટરી આદિત્ય 2013ના ફિક્સિંગ કેસના અરજદાર છે.

COAએ બનાવ્યો હતો કૂલિંગ ઓફ પીરિયડનો નિયમ

કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)એ એક નિયમ બનાવ્યો હતો કે જો કોઈ વ્યક્તિ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અથવા BCCIમાં સતત 6 વર્ષ કોઈ પદ સંભાળે છે, તો તેણે 3 વર્ષના કૂલિંગ ઓફ પીરિયડમાં પણ જવું પડશે. તેને સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી દીધી હતી.

ગાંગુલી 9 મહિનાથી અધ્યક્ષ પદ પર છે

ગાંગુલી 5 વર્ષ 3 મહિના માટે બંગાળ ક્રિકેટ બોર્ડ (CAB)ના અધ્યક્ષ રહ્યા છે. આ અર્થમાં, તેમની પાસે બીસીસીઆઈ પ્રમુખ તરીકે ફક્ત 9 મહિના જ બાકી હતા. જય શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં પણ સેક્રેટરી રહી ચૂક્યા છે. હવે ગાંગુલી અને શાહ કૂલિંગ ઓફ પીરિયડ નિયમમાં છૂટછાટ બાદ તેમનો 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શકે છે.

BCCIની AGMએ તેમાં સુધારો કર્યો હતો

સુપ્રીમ કોર્ટમાં આ અરજી BCCIના ટ્રેઝરર અરુણ ધૂમલ દ્વારા ફાઈલ કરવામાં આવી છે. તેમણે અરજીમાં જણાવ્યું હતું કે, "BCCIએ 9 ઓગસ્ટ 2018થી લાગુ કૂલિંગ ઓફ પીરિયડમાં જવા માટેના નિયમમાં ફેરફાર કરીને ગયા વર્ષે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભા (AGM)માં તેના હોદ્દેદારોની મુદત વધારવાની મંજૂરી આપી હતી."બોર્ડના સુધારા મુજબ, ગાંગુલી અને શાહ પર ત્યારે જ કૂલિંગ ઓફ પીરિયડ લાગુ થશે, જ્યારે તેઓ BCCIમાં સતત 6 વર્ષ કાર્ય પૂર્ણ કરશે. સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં કરવામાં આવેલા કામને BCCIના અધિકારીઓના કામમાં ઉમેરવામાં આવશે નહીં.

COA પાસે ક્રિકેટ પ્રશાસનનો અનુભવ નહોતો

BCCI વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ નિયમ એ લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો જેમની પાસે ગ્રાઉન્ડ લેવલે કામ કરવાનો અનુભવ નહોતો, તેમજ ક્રિકેટ પ્રશાસનનો અનુભવ પણ ન હતો.

સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવાની અનિવાર્યતા સમાપ્ત થાય

એવી દલીલ પણ કરવામાં આવી હતી કે BCCI એક ઓટોનોમસ બોડી છે. તેમાં વહીવટી અધિકાર છે. આ હેઠળ તે પોતાનું બંધારણ બદલી શકે છે. તેથી, સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવાની અનિવાર્યતા સમાપ્ત થવી જોઈએ. જેથી તે બંધારણમાં સભ્યોની મેજોરીટીથી ફેરકાર કરી શકે.





સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડના 5 વર્ષ અને 3 મહિના સુધી અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેથી BCCI અધ્યક્ષ તરીકે તેમનો 9 મહિનાનો કાર્યકાળ જુલાઈમાં સમાપ્ત થાય છે. -ફાઇલ ફોટો