કૃષ્ણએ અર્જુનને જે રીતે શત્રુઓ સાથે લડવાનો ઉપદેશ આપ્યો તેમ આપણને કોવિડ-19 સામે લડવાનો આદેશ છે, ગાફલાઈ ન જ ચાલે: જ્ઞાનવત્સલ સ્વામી
જ્ઞાનવત્સલ સ્વામી (BAPSના પ્રેરક વક્તા)એ કહ્યુ કે, સમગ્ર વિશ્વ કોરોનાના કારાગૃહમાં કેદ છે. પૂર્વે ક્યારેય ન અનુભવેલ આ મહામારીમાં દિવસે દિવસે માનવજીવનનું સત્ત્વ સુકાતું જાય છે. વર્તમાન વકરે છે ને ભાવિ અનિશ્ચિત છે. આર્થિક પાયમાલી અને નિ:સહાય બનેલા સામાજિક સંબંધોના કારણે માનવ ઉદ્વેગના અંધકારમાં ડૂબી રહ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં જ્યારે પુરુષના અતિ ઉન્નત સાધનો પણ નબળાં પુરવાર થયાં છે, ત્યારે આજે સ્વયં પુરુષોત્તમ શ્રીકૃષ્ણ આપણી સહાયમાં આવીને તેમના જીવન દ્વારા આપણને માર્ગદર્શન આપી રહ્યા છે.

શ્રીકૃષ્ણ સમજાવે છે કે, બાહ્ય વસ્તુઓ બદલવી આપણા હાથમાં નથી, પરંતુ તેમાં આપણે કેવી રીતે અનુકૂળ થવું તે આપણા હાથમાં છે. તેઓ ગીતામાં કહે છે... જે વસ્તુ આપણા હાથમાં નથી તે માટે શોક કરવો વ્યર્થ છે. વરસાદને રોકી નહીં શકીએ પણ છત્રી લઈને રક્ષણ મેળવી લેવું તે આપણા હાથમાં છે. જીવનમાં દુઃખો, દ્વન્દ્વો તો આવવાનાં જ ! આજે આ સ્વરૂપે તો કાલે બીજા સ્વરૂપે ! એટલે આવાં અનિત્ય સુખદુઃખ વગેરે દ્વન્દ્વોને સહન કરી આગળ વધવું જોઈએ. એટલે જ શ્રીકૃષ્ણ અર્જુનને જેમ શત્રુઓ સાથે લડવાનો ઉપદેશ આપ્યો તેમ આપણે કોવિડ-19 સામે લડવાનો આદેશ છે. તેમાં ઢીલ અને ગાફલાઈ ચાલે જ નહીં. અત્યારે આપણું કર્તવ્ય છે - આપણી અને પરિવારની રક્ષા ! તેમાં નિયમપાલન યુક્ત પૂર્ણપુરુષાર્થ કરીએ તો જ આપણે અર્જુનની જેમ કહી શકીએ.

શ્રીકૃષ્ણ ભગવાનની સામે આજીવન મહામારી જેવાં કષ્ટો આવતાં રહ્યાં. તેની સામે ઝઝૂમીને તેમણે પોતાના જીવન દ્વારા બતાવ્યું કે આવી ભીષણ પરિસ્થિતિઓમાં પણ નવજીવનના ઉલ્લાસ સાથે જીવી શકાય છે. શ્રીકૃષ્ણ એટલે કોણ ? તો જેમનો જન્મ કારાગૃહમાં થયો હોય, જન્મથી જ માતા-પિતાનો વિયોગ થયો હોય, શૈશવાસ્થામાં રમકડાંઓની જગ્યાએ રાક્ષસો સાથે મોતનો ખેલ રમવાનો હોય, બીજાના હિત માટે કરેલાં કાર્યોમાં પણ આક્ષેપો સહન કરવાના હોય, અને અંતે પોતાના યુગાવતારનો અંત શાપ ઝીલીને કરવાનો હોય, છતાં પણ જેમના મુખ પર સદાય સ્મિત રમતું હોય તો તે શ્રીકૃષ્ણ છે.

આજે આપણા જીવનમાં ધૈર્યના બંધન તૂટી રહ્યા છે, શ્રદ્ધાનો સાથ અને હિમ્મતનો હાથ છૂટી રહ્યા છે, ત્યારે આવી સ્થિરતાની શ્રીકૃષ્ણમયી પ્રેરણા નિ:સંદેહ પ્રાસંગિક છે. શ્રીકૃષ્ણ આપણને ચિંતાથી મુક્ત કરી ચિંતન કરવા પ્રેરે છે કે, આપણને લોકડાઉનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની અછતની ચિંતા છે કે બહાર જરૂરિયાત વગર મહાલવા નથી મળતું તેની ચિંતા છે? બે ટંકનું ભોજન નથી મળતું તેથી ચિંતિત છીએ કે પછી આપણી પ્રતિષ્ઠા અને વર્ચસ્વ ખોવાઈ જવાની ચિંતા છે ? અથવા તો સંબંધોની સંવેદના અને આત્મીયતાને ફક્ત સદેહે ઉપસ્થિતિ રહેવામાં જ માની લીધાં છે? આ ચિંતન કરવા જેવું નથી લાગતું ?જ્ઞાનવત્સલ સ્વામી- ફાઇલ તસવીર.