કેશોદમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં 2 ફૂટ સુધી પાણી ભરાયા

કેશોદમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં 2 ફૂટ સુધી પાણી ભરાયા



કેશોદમાં આજે વહેલી સવારે 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને ભારે પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે કેશોદના નીચાણવાળા વિસ્તારમાં 2થી 3 ફૂટ સુધી પાણી ભરાયા છે. તેમજ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા

ઘેડ પંથકની ઓઝત નદી બેકાંઠે વહી કેશોદની નહેરૂનગર, જાગનાથ, વરૂડી મા મંદિર સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ઘેડ પંથકને ધમરોળતી ઓઝત નદી બેકાંઠે વહી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા ભારેથી અતિભારે વરસાદની અગાહીને કારણે કેશોદ તાલુકાના ઘેડ પંથકના માણેકવાડા, મઘરવાડા, ડેરવાણ બામણાસા, બાલાગામ, મૂળીયાસા, સૂત્રેજ, સરોડ, પંચાળા, અખોદડ, પાડોદર, મઢડા, જોનપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદથી લોકો પરેશાન બન્યા

ગઢડામાં સાંબેલાધાર 6થી 8 ઈંચ વરસાદ પડ્યો ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં 6થી 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગઢડાના ઈતરીયા, લીબાળી, વાવડી, રામપરા, રોજમાળ, કેરાળા સહિતના ગામડાઓમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેથી ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા, ચેકડેમો છલકાઇ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમા મુશળધાર વરસાદના પગલે ગઢડાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવ્યુ હતું. જેથી ગઢડાથી જસદણ, રાજકોટ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઈતરીયા ડેમ ઓવરફ્લો થવાની શક્યાતાને લઈને નગરપાલિકાએ શહેરમાં રીક્ષા ફેરવીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં.

(પ્રવીણ કરંગીયા, કેશોદ)







ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યું