Translate to...

કોલકાતાની વિશ્વપ્રસિદ્ધ દુર્ગાપૂજાની તૈયારીઓ 6 મહિના પહેલાં શરૂ થઇ જતી હોય છે પણ આ વખતે ભવ્ય પંડાલના સ્થાને ચોતરફ સન્નાટો

કોલકાતાની વિશ્વપ્રસિદ્ધ દુર્ગાપૂજાની તૈયારીઓ 6 મહિના પહેલાં શરૂ થઇ જતી હોય છે પણ આ વખતે ભવ્ય પંડાલના સ્થાને ચોતરફ સન્નાટો




કોલકાતાની વિશ્વપ્રસિદ્ધ દુર્ગાપૂજાની તૈયારીઓ 6-8 મહિના પહેલાં શરૂ થઇ જતી હોય છે પણ આ વખતે ચોતરફ સન્નાટો છે. પૂજા સમિતિના લોકો કહે છે કે ઓક્ટોબરમાં પૂજા તો થશે પણ સ્વરૂપ કેવું હશે તે કહી શકીએ તેમ નથી. 150 પૂજા સમિતિના સંગઠન વેસ્ટ બંગાલ દુર્ગા પૂજા ફોરમે મમતા સરકારને આયોજનનું સ્વરૂપ નક્કી કરવા રજૂઆત કરી છે પણ હજુ કોઇ જવાબ આવ્યો નથી.

વેપારીઓનું કહેવું છે કે 3 હજાર કરોડ રૂ.નું કોલકાતાનું પૂજા બજાર 20-25 ટકાએ સમેટાઇ જશે. આ વખતે પહેલાં જેવી ભવ્યતા જોવા નહીં મળે. જ્યાં કરોડોના ભવ્ય પંડાલ સજાવાતા હતા ત્યાં આજે એક વાંસ પણ ઊભો નથી કરાયો. બીજી તરફ મૂર્તિઓ બનાવવા માટે જાણીતા કુમ્હાર ટોલીમાં કારખાનાં પણ ઠપ છે. અહીં 200થી વધુ મૂર્તિકારો અને તેમના 900થી વધુ કારીગરો માટીની મૂર્તિ બનાવીને દુર્ગાપૂજા પર આખા વરસનું કમાઇ લેતા હોય છે. તેમને એપ્રિલથી જ દેશ-વિદેશના ઓર્ડર મળવાનું શરૂ થઇ જતું હોય છે પણ આ વખતે તેમની પાસે માંડ 10-20 ઓર્ડર છે. જે મૂર્તિ દોઢ લાખ રૂ.ની છે તેને લોકો અડધા ભાવે ખરીદવા માગે છે.

મૂર્તિકારો માટે પડતર કાઢવી પણ મુશ્કેલ છે. 85 વર્ષ જૂના સંતોષ મિત્રા સ્ક્વેરમાં ગત વર્ષે પૂજા આયોજનમાં 3 કરોડ રૂ. ખર્ચ થયો હતો. સોનાની મૂર્તિ, ચાંદીના રથ અને હીરા-રત્ન જડિત સાડીઓથી મા દુર્ગાનો શણગાર થયો હતો. તેનો ખર્ચ કોર્પોરેટ ગૃહોએ ઊઠાવ્યો હતો. આ વખતે બધા શાંત છે. નોર્થ કોલકાતાની જાણીતી મો. અલી પૂજા સમિતિના સચિવ અશોક ઓઝા કહે છે કે આ વખતે કંઇ તૈયારી નથી. 2019માં 40 લાખ રૂ. ખર્ચ થયો હતો, આ વખતે તેનો 40 ટકા ફાળો એકઠો થાય તો પણ બહુ છે. પૂજા થશે પણ નાના પાયે. અમે કળશ સ્થાપન સુધી જ સીમિત રહીએ તેવું પણ બને. અમે મૂર્તિઓ નાની રાખી છે.

શ્રાવણ મહિના પછી તૈયારી શરૂ થશે. શહેરમાં નાની-મોટી 400થી વધુ પૂજા સમિતિઓ છે. કોલકાતામાં ઘરોમાં પણ દુર્ગાપૂજાની સદીઓ જૂની પરંપરા છે. રાજા રામમોહન રાયના ગામના બરુણ મલિકના ઘરમાં 165 વર્ષથી દુર્ગાપૂજા થાય છે. બરુણ કહે છે કે કોરોનાના કારણે આ વખતે સંબંધીઓ-મિત્રો તો ઓછા આવશે. મૂર્તિ બની શકે તેમ નહીં હોય તો માત્ર ઘટપૂજાથી જ અનુષ્ઠાન સંપન્ન કરવું પડશે.







ફાઇલ તસવીર.