Translate to...

કોરોના મહામારીને નાથવામાં મોખરે રહેલ શ્રીલંકામાં વસતાં ગુજરાતી કહે છે, 'ગુજરાતી પરિવારોમાં સંક્રમણનું પ્રમાણ જૂજ રહ્યું છે'

કોરોના મહામારીને નાથવામાં મોખરે રહેલ શ્રીલંકામાં વસતાં ગુજરાતી કહે છે, 'ગુજરાતી પરિવારોમાં સંક્રમણનું પ્રમાણ જૂજ રહ્યું છે'
સમગ્ર જગત છ મહિનાથી કોરોના મહામારીના સંકટનો સામનો કરવામાં વ્યસ્ત છે ત્યારે ટચૂકડો પાડોશી દેશ શ્રીલંકા આ મહામારીને ઓળંગીને જનજીવન પુનઃ કરી ચૂક્યો છે, એટલું જ નહિ આગામી 5 ઓગસ્ટે અહીં સંસદની ચૂંટણી પણ યોજાઈ રહી છે. કોરોનાની વૈશ્વિક મહામારીને સંક્રમણના 2686 કેસ અને 11 મૃત્યુઆંક સુધી સિમિત રાખી દેનાર શ્રીલંકાનું મોડેલ સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને લગભગ સમાન સ્થિતિ ધરાવતા એશિયાઈ દેશોમાં અત્યારે ઉદાહરણરૂપ જણાય છે. શ્રીલંકા કઈ રીતે આ કરી શક્યું એ અંગે દિવ્ય ભાસ્કરે સ્થાનિક નાગરિકો અને સવિશેષપણે ત્યાં વસતાં ગુજરાતીઓ સાથે વાત કરીને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવ્યો હતો.

શ્રીલંકાની સ્થિતિ સારી છે, કારણ કે...ભારતમાં સંક્રમણનો પ્રથમ કેસ 27 જાન્યુઆરીએ નોંધાયો હતો જ્યારે શ્રીલંકામાં કોરોનાના પગરણ 30 જાન્યુઆરીએ મંડાયા હતા. આજ સુધીમાં ભારતમાં સંક્રમિતોની સંખ્યા 10 લાખ સુધી પહોંચવા આવી છે અને મૃત્યુઆંક 25 હજારને પાર કરવા આવ્યો છે ત્યારે 2.15 કરોડની વસ્તી ધરાવતા શ્રીલંકામાં સંક્રમિતોની સંખ્યા ફક્ત 2686 અને મૃત્યુઆંક 11 છે. જ્યારે સાજાં થઈ ચૂકેલા સંક્રમિતોની સંખ્યા 1981 છે. ભારતથી 3 દિવસ મોડું સંક્રમણ નોંધાયું હતું પરંતુ લોકડાઉન લાગુ કરવામાં શ્રીલંકા ભારતથી 4 દિવસ વહેલું હતું. ભારતની ભૌગોલિક વિશાળતાની સરખામણીએ આ ટાપુ દેશનો વિસ્તાર ઘણો જ ઓછો હોવાથી કોલંબો, જાફના, પુત્તાલમ, કોચિકાડી જેવા શહેરોમાં બે મહિના સુધી લોકડાઉનનો સજ્જડ અમલ કરાવાયો હતો.

દર 10 લાખે 930 ટેસ્ટ

લોકડાઉન લાગુ કર્યા પછી શ્રીલંકાએ 30 એપ્રિલ સુધી ટેસ્ટિંગની બેહદ ચોક્સાઈ રાખી હતી. ભારતમાં એ વખતે પ્રત્યેક 10 લાખની વસ્તીએ 602 ટેસ્ટની સરેરાશ હતી, પાકિસ્તાનમાં 703 અને બાંગ્લાદેશમાં 393 ટેસ્ટ થતાં હતા ત્યારે શ્રીલંકામાં 930 ટેસ્ટ થતાં હતા. લોકડાઉનનો લાભ લઈને વધારેલા ટેસ્ટિંગને લીધે સંક્રમિતોની ઓળખ ઝડપી અને વધુ સ્પષ્ટ બની. આથી એ વિસ્તારોમાં વધુ તકેદારી દાખવી શકાઈ.એપ્રિલ સુધીમાં નોંધાયેલા સંક્રમણ કેસ પૈકી 80 જેટલાં કેસમાં સંક્રમિતોની ઉંમર 20થી 60 સુધીની હતી. આ વયજૂથમાં નૈસર્ગિક રોગપ્રતિકારક શક્તિ પૂરતી હોવાથી તેઓ ઝડપથી સાજાં થઈ શક્યા, જેને લીધે મૃત્યુઆંક વધ્યો નહિ. બીજો મુદ્દો એ પણ શ્રીલંકાની તરફેણમાં રહ્યો કે એપ્રિલ સુધીમાં આવેલા કેસ પૈકી 40 ટકા શ્રીલંકન નૌસેના સાથે સંકળાયેલા હતા. આથી સરકારે નૌસેના મથકોને ચુસ્તીથી ક્વોરેન્ટિન કરી દીધા. પરિણામે સંક્રમણ ફેલાતું તરત રોકી શકાયું.

શ્રીલંકાની તંદુરસ્તીનું એક રહસ્ય આ પણ છે...અમેરિકાની વિખ્યાત સંસ્થા રોકફેલર ફાઉન્ડેશનના એક અહેવાલમાં સમગ્ર એશિયા ખંડમાં શ્રીલંકાની આરોગ્ય વિષયક કામગીરીને ચડિયાતી ગણાવવામાં આવી છે. એ રિપોર્ટના દાવા પ્રમાણે, પરંપરાગત રીતે શ્રીલંકામાં તંદુરસ્તીનું પ્રમાણ ઘણું સારું છે. ગીચ જંગલો અને મર્યાદિત ભૌગોલિક વિસ્તાર તેમજ ટાપુદેશ હોવાથી અહીં પ્રદુષણનું પ્રમાણ ભારત કરતાં 8 ગણું, પાકિસ્તાન કરતાં 13 ગણું અને ચીન કરતાં 5 ગણું ઓછું છે. આથી સ્થાનિકોમાં ફેફસાંના રોગો જૂજ જોવા મળે છે. રોકફેલર ફાઉન્ડેશનનો અહેવાલ બીજું રહસ્ય એ જણાવે છે કે, શ્રીલંકામાં છેલ્લાં 60 વર્ષમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પ્રત્યે વિશેષ કાળજી લેવાઈ છે. તેનું પ્રમાણ એ છે કે અહીં દર 3 કિલોમીટરે 1 આરોગ્ય કેન્દ્ર સ્થાપવાની નીતિનો કાયમી અમલ થયો છે. પરિણામે અહીં પ્રત્યેક 1000 જનસંખ્યા દીઠ 3 હોસ્પિટલ બેડની વ્યવસ્થા છે.

સ્થાનિક ગુજરાતીઓને કોઈ તકલીફ નથીભાવનગર અને ધારી (જિ. અમરેલી)ના મૂળ રહેવાસી અબ્બાસીભાઈ વ્હોરા બે પેઢીથી શ્રીલંકાના નાગરિક છે અને કોલંબોમાં રહે છે. સ્થાનિક ગુજરાતીઓની સ્થિતિ વિશે અબ્બાસીભાઈ કહે છે કે, 'અહીં ગુજરાતીઓની વસ્તી માંડ 4000 જેટલી છે. પરંતુ મહેનતકશ પ્રજા તરીકે ગુજરાતીઓનો પ્રભાવ સંખ્યાના પ્રમાણમાં ઘણો વધારે છે. લોકડાઉન લાગુ થયું ત્યારે પણ ગુજરાતીઓની ધાર્મિક, સામાજિક સંસ્થાઓ સતત ખડેપગે રહી હતી અને એકપણ ગુજરાતી પરિવાર કોઈ આવશ્યકતાથી વંચિત ન રહે તેની કાળજી લેવાઈ હતી. ગુજરાતી પરિવારોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ અત્યંત જૂજ રહ્યું છે. હવે સ્થિતિ પૂર્વવત્ત થઈ રહી છે ત્યારે પણ ગુજરાતી પરિવારો, સંસ્થાઓ હજુ પણ સંક્રમણથી બચવાના ઉપાયો કરી રહી છે. અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનથી માંડીને શાળા-કોલેજો સુદ્ધાં યથાવત થઈ ચૂક્યા છે છતાં હજુ ય પ્રજામાં સતર્કતા પૂરતી દેખાય છે. સંક્રમણને રોકવા માટે સરકારની કામગીરીની સમાંતરે લોકોની સ્વયંભૂ શિસ્તને પણ ધ્યાને લેવી પડે.'(અબ્બાસીભાઈ વ્હોરા ઉપરાંત એબેસેકરા મેન્ડિસ, મન્ધાના પરેરા સાથેની વાતચીતના આધારે)Gujaratis living in Sri Lanka at the forefront of combating the Koro epidemic say, 'Transition rate among Gujarati families is low'