Translate to...

કોરોના પોઝિટિવ વૃદ્ધને હોસ્પિટલને બદલે ઘરે લઈ જવા કહ્યું, ઘરે પહોંચતાં જ મોત થયું, ડોક્ટરે કહ્યું ગામમાં ખાડો ખોદી લાશ દાટી દો

કોરોના પોઝિટિવ વૃદ્ધને હોસ્પિટલને બદલે ઘરે લઈ જવા કહ્યું, ઘરે પહોંચતાં જ મોત થયું, ડોક્ટરે કહ્યું ગામમાં ખાડો ખોદી લાશ દાટી દો
જસદણના સાણથલી ગામે 73 વર્ષના વલ્લભભાઈ ધડુકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સીએચસી જસદણથી સીધા હોસ્પિટલ મોકલવાને બદલે તબીબોએ ઘરે જવાનું કહી દીધું હતું. ઘરે પહોંચતાં જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું કોરોના પોઝિટિવને ઘરે મોકલી દીધા હોય અને મોત થયું હોય તેવો રાજકોટનો આ પહેલો બનાવ છે. કરુણતા એ છે કે, શબને પ્લાસ્ટિકમાં વીંટવા માટે આરોગ્ય વિભાગ આવ્યું જ નહીં અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને પુત્રોએ મળીને કામગીરી કરી. તેમાં પુત્ર અને પૌત્ર પોઝિટિવ આવ્યા છે.

ફર્સ્ટ પર્સન ભરતભાઈ ધડુક, મૃતક વલ્લભભાઈના પુત્ર: ડોક્ટરે કીધું કે ઘરે લઈ જાઓ ત્યાં એમ્બ્યુલન્સ આવશે પિતાની તબિયત બગડતા હોસ્પિટલ લઈ ગયા હતા કોરોનાની શંકા જતા સેમ્પલ લેવા કહ્યું હતું. શુક્રવારે અમારા ગામ સાણથલીથી જસદણ આરોગ્ય કેન્દ્રમાં ગયા તો ડોક્ટરે કહ્યું કે, 5.30 વાગી ગયા છે હવે સેમ્પલ નહીં લેવાય. બીજા દિવસે વધુ તબિયત બગડી અને બપોરે ફરી લઈ ગયા. ટેસ્ટ કર્યો અને પોઝિટિવ આવ્યો તો ફરી ડોક્ટરે કીધું કે ઘરે લઈ જાઓ ત્યાં એમ્બ્યુલન્સ આવી જશે. અમે ઘરે પહોંચ્યા અને ત્યાં સુધીમાં અમુક સ્ટાફ આવી ગયો હતો. પછી શું થયું તે ખબર નથી પણ પપ્પાનું અવસાન થયું. 3 વાગ્યે બનાવ બનતા ફરી તબીબોને ફોન કર્યા. એમ્બ્યુલન્સ આવી અને પ્લાસ્ટિક લઈ આવ્યા. શબને પ્લાસ્ટિકમાં પણ અમે ડ્રાઇવરની મદદથી બાંધ્યા હતા. રાજકોટ સિવિલ લઈ ગયા ત્યારે હું સાણથલી હતો ત્યાંથી ફરી ફોન આવ્યો કે આવવું પડશે. હું રાત્રે પહોંચ્યો કાગળિયા કર્યા તો ફરી કહે હવે એમ્બ્યુલન્સ બદલવી પડશે. આ બધી માથાઝીંક કરી રાત્રે 1 વાગ્યે રામનાથપરા પહોંચ્યા અને અંતિમવિધિ કરી. અંતિમવિધિ વખતે મને પીપીઈ કિટ પહેરાવી હતી પણ શબનેવીંટવું સહિતની કામગીરી મેં જ કરી હતી. હું અને મારો દીકરો બંને પોઝિટિવ આવ્યા છીએ. માત્ર ને માત્ર તંત્રના સંકલનના અભાવે અમારી આવી હાલત થઈ છે.

ડો. રામે મને કહ્યું તમે બધા જ કામગીરી પતાવી દો : ધડુક અમારા સ્વજનનું ઘરે જ અવસાન થતા તેમની અંતિમવિધિના માર્ગદર્શન માટે બ્લોક હેલ્થ ઓફિસર ડો. રામને ફોન કર્યો હતો. તો એવો તોછડો જવા મળ્યો કે, રાજકોટ લઈ જવાની જરૂર નથી ગામમાં જ ક્યાંક જગ્યા શોધીને ખાડો કરીને દફન કરી દો. તમે બધા જ આ કામગીરી પતાવી દો આ માટે પીપીઈ કિટ મોકલી આપીશું.! આવો જવાબ સાંભળી તુરંત જ મેં ફોન કાપી નાખ્યો.-વિનુ ધડુક, મૃતકના સગાવલ્લભભાઈ ધડુક