ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ધાર્મિક ઉત્સવો અને તહેવારોની ઉજવણીને લઈને ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં અંબાજીના ભાદરવી પૂનમના મેળાને મોકૂફ રાખવામાં આવ્યો હોવાનો અહેવાલ છે. વર્ષોથી યોજાતા મેળામાં દર વર્ષે 29 લાખ દર્શનાર્થીઓ પગપાળા અને અન્ય રીતે દર્શનાર્થે પહોંચે છે. 188 વર્ષથી અમદાવાદના લાલ દંડાવાળા સંઘ પગપાળા મા અંબાને 61 ધજા ચડાવે છે. વ્યાસવાડીથી પણ એક સંઘ 25 વર્ષથી પગપાળા પહોંચે છે.
ગઈકાલે જ નીતિન પટેલે તહેવારો અને ઉજવણીને લઈને નિવેદન આપ્યું હતું
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનાથી લઇને ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળી સુધીના તહેવારો અંગે અમને ધાર્મિક- સામાજિક સંસ્થાઓ દ્વારા રજૂઆતો મળી રહી છે. એ જ રીતે વેપારીઓ દ્વારા પણ માલની ખરીદી કરવી, સ્ટોક કરવો કે નહીં તે અંગે રજૂઆતો મળી રહી છે. પરંતુ આ મામલે હાલ રાજ્ય સરકારે કોઇ નિર્ણય કર્યો નથી. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મળે તે પછી જ કોઇ વિચારણા કરવામાં આવશે. અમારા માટે નાગરિકોની સલામતી એ પ્રાથમિકતા છે.
રાઈડ્સથી માંડીને ખાણીપીણી અને રમકડાંના બજાર
અંબાજી ગબ્બરની બાજુમાં જ ભાદરવી પૂનમને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા સ્ટોલ ફાળવીને નાના-મોટા વેપારીઓને વેપાર કરવા માટે એક અઠવાડિયા જેટલા લાંબા ચાલતા મેળામાં તક આપવામાં આવે છે. જો કે આ વર્ષે વેપારીઓને આ તક નહીં મળે જેથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થશે.
આ વર્ષે ભક્તિનું ઘોડાપુર જોવા નહીં મળે
પવિત્ર અને પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તિ, શક્તિ, તપ અને શ્રધ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટતાં હોય છે. એક અઠવાડિયા સુધી માનતા પૂરી કરવાથી લઈને વિવિધ ટેક સાથે પદયાત્રીઓ મા અંબાના દરબાર તરફ કૂચ કરતા હોય છે. માઈલોની પદયાત્રા કરી અંબાજી પહોંચી લાખો માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ માઈભક્તોનો પ્રવાહ ભક્તિભાવ ઉભરાતા જોવા મળતો હોય છે. જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે માઈ ભક્તોનું અંબાજી તરફ ઘોડાપુર જોવા નહીં મળે.
Bhadarvi Poonam mela will not be held this year due to Corona epidemic