Translate to...

ક્યારેક મોટાભાઈથી આગળ હતો નાનો ભાઈ; પણ 15 વર્ષમાં મુકેશની નેટવર્થ 9 ગણી વધી, અનિલની ઝીરો થઇ

ક્યારેક મોટાભાઈથી આગળ હતો નાનો ભાઈ; પણ 15 વર્ષમાં મુકેશની નેટવર્થ 9 ગણી વધી, અનિલની ઝીરો થઇ
13 માર્ચ 2006. આ તે દિવસ હતો જ્યારે અનિલ અંબાણીની ટેલિકોમ કંપનીમાં મોટું મર્જર થયું હતું. આ દિવસે બોર્ડ મીટિંગમાં, નિર્ણય લેવામાં આવ્યો હતો કે રિલાયન્સ ઇન્ફોકોમ રિલાયન્સ કમ્યુનિકેશન વેન્ચર લિમિટેડ સાથે મર્જ થશે. જેને પગલે રિલાયન્સ કમ્યુનિકેશન વેન્ચર લિમિટેડના શેરના ભાવમાં 67% નો વધારો થયો હતો. તેના પરિણામ રૂપે, આ ​​દિવસે અનિલ અંબાણીની કુલ સંપત્તિ રૂ. 45 હજાર કરોડ થઈ ગઈ હતી. જ્યારે, તે દિવસે મોટા ભાઈ મુકેશની કુલ સંપત્તિ રૂ. 37,825 કરોડ હતી.

આ તે સમય હતો જ્યારે નેટવર્થના મામલે નાનો ભાઈ મોટા ભાઈ કરતા આગળ વધી ગયો હતો. જ્યારે, એક અઠવાડિયા પહેલા, ફોર્બ્સની યાદી આવી, જેમાં મુકેશ અંબાણી અનિલથી આગળ હતા. ફોર્બ્સની યાદી મુજબ માર્ચ 2006માં મુકેશની કુલ સંપત્તિ 8.5 અબજ ડોલર અને અનિલની કુલ સંપત્તિ 7.7 અબજ ડોલર હતી.

બંને ભાઈઓની વાત એટલા માટે છે કે આજકાલ બંને ચર્ચામાં છે. ફ્રાન્સના રાફેલ ફાઇટર વિમાનો થોડા દિવસો પહેલા પહોંચ્યા છે. તે ફ્રાન્સના ડસોલ્ટ એવિએશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ રાફેલ ડીલમાં ઓફસેટ ભાગીદાર છે. અને મોટો ભાઈ મુકેશ વિશ્વનો 5મો સૌથી ધનિક વ્યક્તિ બની ગયો છે.

જ્યારે બંને ભાઈઓ જુદા પડ્યા, ત્યારે તેઓની સંપત્તિ 7 અબજ ડોલર હતી મુકેશ અંબાણી 1981માં અને અનિલ અંબાણી 1983માં રિલાયન્સમાં જોડાયા હતા. જુલાઈ 2002માં ધીરુભાઇ અંબાણીના અવસાન પછી, મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપના ચેરમેન બન્યા. અનિલ મેનેજિંગ ડિરેક્ટર બન્યા. નવેમ્બર 2004માં, પ્રથમ વખત મુકેશ અને અનિલની લડાઈ સામે આવી. જૂન 2005માં, બંને વચ્ચે ભાગલા થયા.

માર્ચ 2005માં, મુકેશ અને અનિલની સંયુક્ત સંપત્તિ 7 અબજ ડોલર હતી. તે પહેલાં, 2004માં બંનેની સંયુક્ત 6 અબજ ડોલર હતી, જ્યારે 2003માં ફક્ત 2.8 અબજ ડોલર હતી. મતલબ કે ધંધો સંભાળ્યાના બે વર્ષમાં મુકેશ અને અનિલની નેટવર્થમાં અઢી ગણી વધી હતી.

સતત બે વર્ષથી ધીરુભાઇ અંબાણીની કુલ સંપત્તિ ઘટી રહી હતી ત્યારે મુકેશ અને અનિલની સંપત્તિમાં વધારો થયો હતો. ધીરુભાઈની સંપત્તિ 2000માં 6.6 અબજ ડોલર હતી, જે 2002માં ઘટીને 2.9 અબજ ડોલર થઈ ગઈ.

ભાગલા પછી 15 વર્ષમાં મુકેશની સંપત્તિ 9 ગણી વધી જૂન 2005માં, બંને વચ્ચે વિભાજન થયું, પણ ક્યાં ભાઈ ને કઈ કંપની મળશે તેની સ્પષ્ટતા 2006માં થઇ. ભાગલા પછી મુકેશ અંબાણીને પેટ્રોકેમિકલ બિઝનેસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પ લિમિટેડ, રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જેવી કંપનીઓનો મળી. નાના ભાઈએ અનિલ ધીરૂભાઇ અંબાણી જૂથ બનાવ્યું. તેની પાસે આરકોમ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ એનર્જી, રિલાયન્સ નેચરલ રિસોર્સિસ જેવી કંપનીઓ હતી.

રિલાયન્સ ગ્રૂપના વિભાજન પહેલા મુકેશ અને અનિલની માર્ચ 2005માં સંયુક્ત રીતે 7 અબજ ડોલરની સંપત્તિ હતી. તે પછી 2006થી 2008 સુધીમાં બંને ભાઈઓની નેટવર્થમાં બહુ ફરક નહોતો. જોકે, 2009માં આર્થિક મંદી આવી. વિશ્વભરના ધનિકોની સંપત્તિમાં ઘટાડો થયો હતો. મુકેશ અને અનિલ અંબાણીની સંપત્તિમાં પણ મોટો તફાવત અહીંથી શરૂ થયો.

એક તરફ અબજોપતિઓની યાદીમાં અનિલની રેન્કિંગમાં ઘટાડો થયો અને મુકેશનું રેન્કિંગ વધ્યું. 2008માં મુકેશ 5માં અને અનિલ 6માં સ્થાને હતો. જોકે, હવે અનિલ અંબાણી અબજોપતિઓની યાદીમાંથી બહાર થઈ ગયા છે. 2006થી, મુકેશ અંબાણીની નેટવર્થ 9 ગણા કરતા વધારે વધી છે. જ્યારે, ફેબ્રુઆરી 2020માં બ્રિટનની એક કોર્ટમાં અનિલે કહ્યું કે તેની કુલ સંપત્તિ ઝીરો છે અને તે નાદાર થઈ ગયો છે.

મુકેશ અંબાણી ટેલિકોમમાં આવ્યા તો સૌથી વધુ નુકસાન નાના ભાઈને થયું 2002નો સમય હતો. તે સમયે બંને ભાઈઓ સાથે હતા. ધીરુભાઈ અંબાણી પણ ત્યાં હતા. તે સમયે રિલાયન્સ ગ્રૂપે રિલાયન્સ ઇન્ફોકોમ સાથે ટેલિકોમ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે, ફોન પર વાત કરવી મોંઘી હતી. તે સમયે રિલાયન્સ ગ્રાહકોને સસ્તા ભાવે વોઈસ કોલિંગની સુવિધા પૂરી પાડતી હતી. કંપનીએ 'કરલો દુનિયા મુઠ્ઠી મેં' સૂત્ર આપ્યું હતું.

જો કે ધીરુભાઈના અવસાન પછી રિલાયન્સ ઇન્ફોકોમ નાના ભાઈ અનિલના ભાગમાં આવી હતી. આ તે સમય હતો જ્યારે મોબાઇલ ફોનનું બજાર ઝડપથી વિકસી રહ્યું હતું. જોકે, બંને ભાઈઓ વચ્ચે સમજૂતી થઈ હતી અને તે કરાર એ હતો કે મુકેશ અનિલને નુકસાન પહોંચાડે તેવો કોઈ વ્યવસાય શરૂ કરશે નહીં. આ કરાર પણ 2010માં સમાપ્ત થયો હતો.

2010માં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઇન્ફોટેલ બ્રોડબેન્ડ સર્વિસ લિમિટેડ (IBSL)માં 95% હિસ્સો રૂ. 4,800 કરોડમાં ખરીદ્યો હતો. IBSL દેશની પ્રથમ અને એકમાત્ર કંપની છે જેણે દેશના તમામ 22 ઝોનમાં 4G બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમનો ફેલાવો કર્યો હતો. બાદમાં તેનું નામ 'રિલાયન્સ જિયો' રાખ્યું.

5 સપ્ટેમ્બર, 2016ના રોજ, મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો શરૂ કર્યું. શરૂઆતમાં, કંપનીએ 6 મહિના માટે 4G ડેટા અને વોઇસ કોલિંગ મફત રાખ્યા હતા. પરિણામે, રિલાયન્સ જિયો ઝડપથી વિકસવા માંડી.

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના ડેટા અનુસાર સપ્ટેમ્બર, 2016માં રિલાયન્સ જિયોના 1.5 કરોડથી વધુ ગ્રાહકો હતા. ત્યાં સુધી, નાના ભાઈ અનિલની રિલાયન્સ ઇન્ફોકોમનો 8%થી વધુ માર્કેટ શેર હતો.

જેમ જેમ સમય પસાર થયો તેમ, પ્રાઈસ વોરને કારણે, અનિલની કંપનીના ગ્રાહકો ઓછા થયા અને મુકેશની કંપનીના ગ્રાહકો વધ્યા. એપ્રિલ 2020 સુધીમાં, જિયોના 38 કરોડથી વધુ ગ્રાહકો છે. જોકે, રિલાયન્સના ગ્રાહકોની સંખ્યા હવે 18 હજાર પણ નથી.

મુકેશ આગળ વધતા રહ્યા, અનિલ દેવાદાર બનતા રહ્યા જ્યારે દુનિયામાં આર્થિક મંદી આવી, ત્યારે દુનિયાભરના અમીરોને ઘણું બધું નુકશાન થયું. મુકેશ અને અનિલની સંપત્તિમાં પણ ઘટાડો થયો. આમાંથી મોટાભાઈ મુકેશ તો નીકળી ગયા, પરંતુ નાના ભાઈ અનિલ ફસાતા જ ચાલ્યા ગયા. એક બાજુ મોટા ભાઈનો ઉદ્યોગ આગળ વધી રહ્યો હતો, તો બીજી તરફ નાનાભાઈ દેવાદાર બની રહ્યા હતા.

આજે પરિસ્થિતિ તે છે કે અનિલ અંબાણી દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે. તો બીજી તરફ મુકેશ અંબાણી પોતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને દેવામુક્ત કરી ચુક્યા છે. 31 માર્ચ 2020 સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 1.61 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ દેવું હતું, પણ હવે તેમની કંપની પર કોઈ જ દેવું નથી. જ્યારે, અનિલ અંબાણી પર 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું છે.

એક તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપનીઓની માર્કેટ કેપ 12 લાખ કરોડથી પણ વધુ થઇ ગઈ છે. બીજી તરફ અનિલ અંબાણીની કંપનીઓનું માર્કેટ કેપ 2 હજાર કરોડ રૂપિયાથી પણ ઓછી છે. રિપોર્ટ પ્રમાણે, ફેબ્રુઆરી 2020 સુધી અનિલની કંપનીઓની માર્કેટ કેપ 1,645.65 કરોડ રૂપિયા હતી.Sometimes the younger brother was ahead of the older brother; But in 15 years, Mukesh's net worth increased 9 times, Anil's zero