Translate to...

કેબિનેટનું વિસ્તરણ જરૂરી છે, કોંગ્રેસમાંથી આવેલાને મંત્રી બનાવવામાં કશું ખોટું નથી: સી. આર. પાટીલ

કેબિનેટનું વિસ્તરણ જરૂરી છે, કોંગ્રેસમાંથી આવેલાને મંત્રી બનાવવામાં કશું ખોટું નથી: સી. આર. પાટીલ
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી. આર. પાટીલે હોદ્દો સંભાળ્યા પછી તરત જ ગુજરાતના રાજકારણમાં પરિવર્તનના પવન ફૂંકાતા હોય તેવો સૂસવાટા ભર્યો અવાજ સંભળાઇ રહ્યો છે. સી. આર. પાટીલ પોતાની પદ્ધતિથી ઘણું બધું બદલવા માંગે છે. દિવ્ય ભાસ્કર સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં ભાજપના નવનિયુક્ત અધ્યક્ષે ગુજરાતના રાજકારણમાં આગામી સમય અંગે ઘણાં બધાં સંકેતો આપ્યાં છે. ભાસ્કરના ચિંતન આચાર્ય સાથે કરેલી વાતચીતના અંશો...

સવાલ: અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે આવતી પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી સી આર પાટીલના નેતૃત્વમાં લડાશે. ચૂંટણી મુખ્યમંત્રીના નેતૃત્વમાં લડાય છે, આવું કેમ કહ્યું, કાંઇ ઇશારો છે?સી.આર પાટીલઃ સ્વાભાવિક રીતે આ વાત કરી હોઇ શકે, તે કોઇ ગંભીર વાત નથી, ભાજપમાં સંયુક્ત નેતાગીરી છે અને સંયુક્ત નિર્ણય લેવાની પ્રથા છે.

સવાલ: તો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત સરકારનો ચહેરો કોણ હશે?સી.આર પાટીલઃ મોદી સાહેબ. તેમના ફેસ આગળ તમામ ફેસ વામણા લાગે. કામની વાત હોય તો તેમાં વિકાસનો ચહેરો હશે અને તેમાં સંગઠનની તાકાત ભળશે એટલે 2022માં પણ ગુજરાતમાં ભાજપની જીત થશે.

સવાલ: મંત્રીમંડળના આવાસમાં સાફસફાઇ થઇ, રૂપાણી-નીતિન પટેલ ગવર્નરને મળી આવ્યા, કેમ આ હિલચાલ, હવે વિસ્તરણ કેટલું દૂર?સી.આર પાટીલઃ વિસ્તરણ જરૂરી છે, સમયસર મુખ્યમંત્રીએ નિર્ણય કરવો પડે છે, પાર્ટી પણ કરે છે, જરૂર મુજબ આ નિર્ણય લેવાય એ યોગ્ય છે.

સવાલ: ભાજપના લોકો મંત્રી બનશે કે કોંગ્રેસમાંથી આવેલા લોકો પણ બનશે?સી.આર પાટીલઃ મંત્રીમંડળમાં સ્થાન પામનારો વ્યક્તિ ભાજપમાં કામ કરનારો હશે. અમારી પાર્ટીને મજબૂત બનાવવા અને સામી પાર્ટીને નબળી પાડવા કોંગ્રેસમાંથી આવેલાને મંત્રી બનાવવા તેવો વ્યૂહ અપનાવવો તો ખોટું નથી.

સવાલ: ભાજપનું સંગઠન એક રિવાજને જ અનુસરતું આવે છે, તમે શું નવું કરશો, સી આર પાટીલ ઇફેક્ટ હવે ગુજરાત બીજેપીમાં ક્યાં અને કેવી રીતે દેખાશે?સી.આર પાટીલઃ ટેકનોલોજીથી પરિવર્તન આવશે. ટેકનોલોજી એટલે ફેસબુક, ટ્વીટર કે વ્હોટ્સેપ્પ પર ફોટા મૂક્યા તે નહીં, પણ ચૂંટણી જીતવા ડેટાબેઝનું એનાલિસીસ અને આ સી આર ફેક્ટર ગુજરાત ભાજપમાં રહેશે.

સવાલ: તમારી ટીમમાં કોણ હશે?સી.આર પાટીલઃ ભાજપનો કાર્યકર્તા હોવો જોઇએ, જે લોકો છે તેમાંથી ટીમ બનશે. જેમ સરકારી અધિકારીની બદલી થાય તેમ ભાજપમાં પણ ફેરફાર થશે. અમે એવા લોકોને જોડીશું કે જેની આગવી પ્રતિભા હોય.

સવાલ: પ્રદેશ માળખું ક્યારે જાહેર થશે?સી.આર પાટીલઃ બહુ જલ્દી

સવાલ: સૌરાષ્ટ્ર અને પાટીદાર ફેક્ટર રાજકારણમાં હાવિ છે, છતાં ભાજપે તમને પ્રદેશ પ્રમુખ બનાવીને રીસ્ક લીધું, તમે શું કહો છો?સી.આર પાટીલઃ પાટીદાર સમાજ વિશાળ વિચારસરણીનો છે, તેઓનો બિઝનેસ દેશ વિદેશોમાં છે અને તેમનો દ્રષ્ટિકોણ પણ બદલાયો છે એટલે તેમને આવી રીતે સીમીત દ્રષ્ટિથી જોવા ન જોઇએ કે અન્યાય પણ ન કરવો જોઇએ.

સવાલ: કોંગ્રેસે હાર્દિક પટેલને વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવ્યો, બીજેપીએ તમને પ્રમુખ બનાવ્યા, આવો પ્રયોગ કેમ?સી.આર પાટીલઃ આ પ્રયોગ નથી. મોદી-શાહની જોડી નિર્ણય લે ત્યારે દરેક પાસા ધ્યાને રાખીને લે છે અને દરેકની ક્ષમતાનો ખ્યાલ છે. તેમને ગુજરાતની નાડ પારખતાં આવડે છે. તેમને ખબર છે કે ગુજરાત જ્ઞાતિ કે પ્રાંતના વમળમાં ફસાયું નથી. અહીં કામ કરે તેને જવાબદારી મળે છે.

સવાલ: તમે જે દિવસે ભાજપ પ્રમુખ તરીકે ચાર્જ લીધો, તે જ દિવસે આ રાજ્યના પોલિસ વડાએ પોલિસકર્મીઓને કહ્યું કે પગાર માટે નોકરી કરતાં હોય તો પોલિસ ન બનો. તમે પણ પોલિસમાં હતા અને આંદોલન કર્યાં છે?સી.આર પાટીલઃ માંગણી દરેકનો અધિકાર છે, પણ તેની પદ્ધતિ હોય. ટ્રેડ યુનિયન જેવું ન કરાય. કેટલાંક બિનઅનુભવી લોકો ઉત્સાહિત થઇ કોમેન્ટ કરે તો ફોર્સને નુક્સાન થાય, ડીજીનું એક્શન યોગ્ય છે. હું પોલિસમાં હતો ત્યારે અમારી પદ્ધતિ અલગ હતી, પણ સોશિયલ મીડિયા પર સરકારની બદનામી કરવી યોગ્ય નથી.ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી. આર. પાટીલ.