Translate to...

કેન્સર-કિડની હોસ્પિ.ના 1203 મેડિકલ-પેરામેડિકલ સ્ટાફને ઓગસ્ટમાં 7મા પગારપંચનો લાભ મળશેઃ નીતિન પટેલ

કેન્સર-કિડની હોસ્પિ.ના 1203 મેડિકલ-પેરામેડિકલ સ્ટાફને ઓગસ્ટમાં 7મા પગારપંચનો લાભ મળશેઃ નીતિન પટેલ




ગુજરાતની પ્રતિષ્ઠિત કેન્સર હોસ્પિટલ, કિડની હોસ્પિટલ અને યુનિવર્સિટીના ડોક્ટર સહિત નર્સિગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને ક્લેરિકલ સ્ટાફ સહિત તમામ અધિકારીઓને 7મા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રીએ કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાત સરકારની ગ્રાન્ટ-સહાયથી ચાલતી અમદાવાદ મેડિસિટી કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલ અને કીડની હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલીટી સારવાર ખૂબ સારી રીતે આપવામાં આવે છે. આ બંને હોસ્પિટલોમાં ગુજરાત રાજ્યની સાથે સાથે પડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ અનેક દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર લેવા માટે આવે છે.

આગામી મહિનાથી લાભ આપવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ સાયન્સિઝ પણ ચલાવે છે. જ્યાં કિડનીની સારવાર માટેના નિષ્ણાંત ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફને તબીબી શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ ત્રણેય સંસ્થાઓમાં ડૉક્ટરો સહિત 1203 જેટલા મેડિકલ અને પેરા મેડિકલ વિભાગનો સ્ટાફ ફરજ બજાવે છે. આ સંસ્થાઓના નિયામક દ્વારા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને આ બંને હોસ્પિટલોના કર્મીઓને 7મા પગારપંચનો લાભ આપવાની રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને આગામી પહેલી ઓગસ્ટથી તેમને સાતમા પગારપંચનો લાભ આપવાની જાહેરાત કરી છે.

કોરોનાના દર્દીઓની સેવા કરવામાં પણ મદદ કરી કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકારે આરોગ્ય વિભાગના ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફને શક્ય બને એ બધી જ મદદ કરવામાં આવી રહી છે. જેના કારણે આરોગ્ય વિભાગ સહિત ખાનગી તબીબો અને પેરા મેડિકલ સ્ટાફે પણ સમગ્ર રાજ્યમાં કોરોનાને લડત આપવા અને દર્દીઓની સેવા કરવામાં અગ્રેસર રહ્યા છે.







કેન્સર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, અસારવા - ફાઇલ તસવીર