Translate to...

કોઈને વિહિપે મદદ ન કર્યાની ફરિયાદ, કોઈને મદદની રકમ ન સચવાયાનો અફસોસ

કોઈને વિહિપે મદદ ન કર્યાની ફરિયાદ, કોઈને મદદની રકમ ન સચવાયાનો અફસોસ
30 ઓક્ટોબર 1990...‘રામલલ્લા અમે આવીશું, મંદિર અહીંયા બનાવીશું’ના નારાથી અયોધ્યા ગૂંજી રહ્યું હતું. રસ્તા પર એકબાજુ ભગવા પહેરેલા કારસેવક હતા કે પછી ખાખી વર્ધી પહેરીને પોલીસકર્મીઓ. બાબરી મસ્જિદના દોઢ કિમી વિસ્તારને પોલીસે બેરિકેટ કરીને રાખ્યો હતો. ક્યાંયથી પણ કોઈ અવરજવર નહોતી થઈ રહી. ઘરની છત પર પોલીસ તહેનાત હતી. પરંતુ કારસેવકોએ રામલ્લા સુધી પહોંચવા માટે હઠ પકડી હતી. હજારોની સંખ્યામાં જ્યારે કારસેવક હનુમાન ગઢીની આગળ શેરીઓમાંથી થઈને રામ જન્મભૂમિ તરફ આગળ વધ્યા તો સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ કરી દીધું. આ ફાયરિંગ પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના આદેશ પર કરવામાં આવ્યું હતું. ફાયરિંગના કારણે અયોધ્યાના રહેવાસી 5 કારસેવકના મોત થયા હતા. આ તમામ ગરીબ પરિવારોમાંથી આવતા હતા. કોઈનો પરિવાર વાંસમાંથી ટોપલીઓ બનાવવાનું કામ કરતો હતો તો કોઈ રિક્ષા ચલાવતું હતું. હવે 2020માં અયોધ્યામાં માર્યા ગયેલા એ 5 કારસેવકોમાંથી 3 પરિવાર રહે છે. તેમની મુલાકાત કરીને અમે તેમની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.

પહેલી કહાનીઃ ઘર ગિરવે રાખ્યું છે,બાળકોની ફી ભરવાના પણ પૈસા નથી અયોધ્યાના કજિયાના મોહલ્લામાં રાજેન્દ્ર ધનકારનું ઘર છે. ઘરની સામે થોડીક જમીન છે, જેમાં મોટું વૃક્ષ છે. અને પાછળ ઘર છે. ઘરની પહોંળાઈ અંદાજે 40 ફુટ હશે પણ અંદરથી ઘર થોડુંક નાનું છે. સામે જ રાજેન્દ્રના નાના ભાઈ રવિન્દ્ર મળ્યા. વાતચીતમાં તેમણે જણાવ્યું કે, એ વખતે મારી ઉંમર 8 અથવા 10 વર્ષની હશે. 30 ઓક્ટોબર 1990થી થોડાક દિવસ પહેલા જ કારસેવક અયોધ્યા જઈ રહ્યા હતા. 30 ઓક્ટોબરે સવારે 7 થી 8 વાગ્યાનો સમય હતો. ઘણા લોકો ભીડ સાથે જયશ્રી રામના નારા લગાવતા આવ્યા અને ભાઈને બોલાવ્યા. એ વખતે ભાઈની ઉંમર 16 અથવા 17 વર્ષની હશે.

રાજેન્દ્ર 17 વર્ષના હતા, જ્યારે આંદોલન થયું હતુ નારા લગાવતા ભીડ સાથે નીકળી પડ્યા હતા.

તેમણે પણ માથે ભગવો વીંટાળ્યો હતો અને નારા લગાવતા નીકળી પડ્યા. હું પણ તેમની પાછળ ભાગ્યો, પણ મમ્મીએ મને રોકી લીધો તો હું પાછો આવી ગયો.પછી ખબર પડી કે ફાયરિંગ થયું છે. પછી એ વખતે વિહિપે 1 લાખ રૂપિયાની મદદ કરી હતી. જો કે, પિતાજીએ એ પૈસા કોઈના કહેવાથી કોઈ ચિટફંડ કંપનીમાં નાંખી દીધા હતા અને તે બધા પૈસા ડૂબી ગયા હતા. અમારી આર્થિક સ્થિતિ પહેલા પણ સારી નહોતી. વાંસની ટોપલીઓ વગેરે બનાવીને જે કામ કરતા હતા એ ચાલતું હતું. હાલ 10 વર્ષ થઈ ગયા છે મમ્મીના નિધન થયાના. પિતાજીને પેરાલિસિસનો અટેક આવ્યો તો સારવારમાં જ ઘણા પૈસા ખર્ચ થઈ ગયા. લોન લેવા માટે 4 રૂમનું ઘર ગિરવે મુકવું પડ્યું. એ ઘરમાં 3 ભાડૂઆત રહે છે. 300 રૂપિયા રૂમનું ભાડું છે. એક રૂમની છત તૂટવાના આરે છે એટલા માટે એને ભાડે નથી આપ્યો. જે રૂમમાં હું રહું છું, દસ વર્ષથી વધુ થઈ ગયું છે હજુ સુધી કલરકામ કરાવી શક્યો નથી. રૂમમાં જ જમવાનું બને છે એટલા માટે છત અને દિવાલ કાળી થઈ ગઈ છે. રવિન્દ્રની પત્ની સોની કહે છે અમારા 6 બાળકો છે. 2 દીકરીઓ 8મું ધોરણ પાસ કરી ચુકી છે તો એક પ્રાઈવેટ શાળામાં નામ લખાવી દીધું, પણ લોકડાઉનના કારણે ભાડૂઆત પણ ભાગી ગયા અને ટોપલીઓ વગેરે પણ વેચાવાનું બંધ થઈ ગયું. જેનાથી આજે અમે આર્થિક તંગીનો ભોગ બન્યા છીએ. બાળકોની શાળાની ફી માટે પણ પૈસા નથી. ઘણી વખતે ભૂખ્યા પેટે જ સુવુ પડે છે. હાલના સમયમાં 3-4 દિવસમાં ક્યાંક 100-200ની કમાણી થઈ જાય છે. રવિન્દ્રએ કહ્યું કે, જ્યારે ભાઈના મૃત્યુ પર વિહિપે સન્માન કર્યુ હતું, એના પછી વળીને અમારી સામે જોયું નથી.અમે અહીંયાના હાલના ભાજપ ધારાસભ્ય પાસે પણ ગયા હતા, પણ તે અમને ન મળ્યા. હવે દીકરીઓના લગ્ન કેવી રીતે કરીશ એ પણ નથી સમજાતું. જો કે, રવિન્દ્રએ કહ્યું કે, શ્રી રામ મંદિર બનવા જઈ રહ્યું છે, એ સૌથી સારી વાત છે. ભાઈનું બલિદાન વ્યર્થ નહીં જાય.

બીજી કહાનીઃ જ્યારે મહિલાઓ બહાર નહોતી નીકળતી, ત્યારે મમ્મીએ દુકાન ચલાવીને અમને ભણાવ્યા ગણાવ્યા હનુમાનગઢીથી લગભગ દોઢ બે કિમી દૂર નયા ઘાટ મોહલ્લામાં મુખ્ય રસ્તા પર જ સંદીપ ગુપ્તાની કાપડની દુકાન છે. સંદીપ ગુપ્તાના પિતા વાસુદેવ ગુપ્તાનું મોત 30 ઓક્ટોબર 1990ના રોજ કારસેવા દરમિયાન થયું હતું. દુકાન પર બેસેલા સંદીપે જણાવ્યું કે, જ્યારે પિતાજીનું મોત થયું તો હું ઘણો નાનો હતો. મને જણાવાયું હતું કે, એ વખતે ન તો સગા વ્હાલાઓએ અમારી મદદ કરી ન તો દાદા-દાદીએ. એ જ વખતથી અમે લોકો અલગ રહીએ છીએ. મને યાદ છે મારી મમ્મી શકુંતલા એ વખતે દુકાન પર બેસવા લાગી અને તેનાથી જ અમને ભણાવ્યા ગણાવ્યા.

આ વાસુદેવ ગુપ્તા છે. તેમના દીકરો સંદીપ હવે કાપડની દુકન ચલાવે છે.

પહેલા પિતાજી મીઠાઈની દુકાન ચલાવતા હતા. ત્યારપછી જ્યારે માતાએ દુકાનનું કામ સંભાળીને કપડાની દુકાન ખોલી હતી. ધીમે ધીમે ખર્ચ પણ નીકળતો ગયો. અમને લોકોને ભણાવ્યા. એક બહેનના લગ્ન થઈ ગયા છે. એક બહેન હાલ ઘરે છે. અમે બન્ને ભાઈ બહેન ગ્રેજ્યુએશન કરી ચુક્યા છીએ. અમને ક્યાંય નોકરી ન મળી તો અમે પણ મમ્મી સાથે દુકાન પર બેસવા લાગ્યા. લોકડાઉનમાં તો અમારા હાલ ખરાબ થઈ ગયા છે. ધાર્મિક શહેરમાં જ્યારે આવશે જ નહીં તો સામાન કેવી રીતે વેચાશે. હવે મંદિર બની રહ્યું છે મારી એક જ અપીલ છે કે ટ્રસ્ટમાંથી અમને કંઈક મળી જાય. જેથી અમારું ગુજરાન ચાલી શકે.

ત્રીજી કહાનીઃ 30 વર્ષ પહેલા પતિને ગુમાવ્યા હનુમાનગઢીથી લગભગ 500મીટર દુર રાની મોહલ્લામાં ગાયત્રી દેવીનું ઘર છે. 1990માં કારસેવા દરમિયાન તેમના પતિ રમેશ પાંડેયનું પણ મોત થયું હતું. વિહિપે ત્યારે 10 લાખથી વધુની મદદ પણ કરી હતી પણ એક વિધવાએ તેના પરિવારને એ જ પૈસાથી સાચવ્યા પણ હવે વૃદ્ધાવસ્થામાં તેને થોડા પૈસા માટે પણ કોઈની સામે હાથ ફેલાવા પડે છે. આવુ કહેતા 55 વર્ષની ગાયત્રીની આંખો ભરાઈ ગઈ હતી. ઘરના દરવાજે ઊભેલી ગાયત્રીએ કહ્યું કે, 13-14 વર્ષની ઉંમરમાં મારા લગ્ન થઈ ગયા હતા. 10-15 વર્ષ વિત્યા હશે જ્યારે પતિ અમને છોડીને ગયા.

1990માં કારસેવા દરમિયાન તેમના પતિ રમેશ પાંડેયનું પણ મોત થયું હતું

ત્યારે પરિવારમાં બે દીકરા અને બે દીકરીઓ અને મારા સાસુ હતા. મને સમજાતું નહોતું કે, હવે આગળ કેવી રીતે અને શું કરીશ.મારા પતિ એક ભઠ્ઠા પર મુંશી હતા જીવન શાંતિથી ચાલતું હતું. પણ પછી મુશ્કેલી પડવા લાગી. ત્યારે વિહિપે પૈસાની મદદ કરી. એનાથી બે દીકરીઓના લગ્ન કરાવ્યા. બન્ને દીકરાઓને મોટા કર્યા. સાસુની દવા કરાવી. હવે મોટો દીકરો કારસેવકપુરમમાં નોકરી કરે છે. જ્યારે બીજો દીકરો પણ ક્યાંય પ્રાઈવેટ જોબ કરે છે. મોટો દીકરો અલગ રહે છે. હું નાના દીકરા સાથે રહું છું. હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. પૈસા ખતમ થઈ ગયા છે. થોડા-થોડા પૈસા માટે કોઈ સામે હાથ ફેલાવો સારું નથી લાગતું. ચિંતા રહે છે કે આગળનું જીવન કેવી રીતે જશે. ગાયત્રીએ કહ્યું કે, ચલો એક વાત તો સારી થઈ કે, રામમંદિર બનવા જઈ રહ્યું છે. બની શકે છે કે અમને આમંત્રણ મળે.The VHP Did Not Turn Back And Complained To Anyone, Someone's Son Works In Karsevakapuram.