Translate to...

કહ્યું-ત્યાં પહાડી વિસ્તારોમાં તાલિબાની જાનવરની જેમ ફરે છે, મારી આંગળીઓ અને નાક કાપવાનું કહેતા હતા

કહ્યું-ત્યાં પહાડી વિસ્તારોમાં તાલિબાની જાનવરની જેમ ફરે છે, મારી આંગળીઓ અને નાક કાપવાનું કહેતા હતા
અફઘાનિસ્તાનના શીખ અને હિન્દુ સમુદાયના 11 લોકો રવિવારે ભારત પહોંચ્યા હતા. હવે ભારત તેમને લોંગ ટર્મ વીઝા આપશે. તેમની નાગરિકતા અંગેની માંગણી વિશે પણ વિચાર કરવામા આવશે. આજે ભારત પહોંચેલા મોટા ભાગના શીખ પરિવારના લોકોએ તાજેતરમાં થયેલા કાબુલ આતંકવાદી હુમલામાં તેમના પરિવારજનોને ગુમાવ્યા છે. આ વર્ષે માર્ચમાં કાબુલના એક ગુરૂદ્વારા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. દિલ્હી પહોંચીને જ્યારે તેઓ તેમના પરિવારજનોને મળ્યા ત્યારે લાગણીસભર દ્રષ્યો સર્જાયા હતા. ભાજપ અને અકાલી દળના અમુક નેતા તેમના સ્વાગત માટે ત્યાં ઉપસ્થિત હતા.

છેલ્લા અમુક દાયકાઓથી અફઘાનિસ્તાનના શીખ અને હિન્દુઓ માટે ભારત એક નેચરલ હોમ રહ્યું છે. આ વર્ષે 700થી વધુ લોકોએ લોંગ ટર્મ વીઝા માટે અપ્લાય કર્યું છે. અમુક મહિનાઓથી તેમના વીઝાની અરજી પેન્ડિંગ હતી. ભારત સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાવાયરસના લીધે વીઝા મળવામા વિલંબ થયો હતો.

નિદાનસિંહને એક મહિના પહેલા આતંકવાદીઓએ કિડનેપ કરી લીધા હતા

રવિવારે દિલ્હી પહોંચનારાઓમાં નિદાનસિંહ સચદેવા પણ હતા જેમને એક મહિના પહેલા પાકિસ્તાનના આતંકવાદી સંગઠન હક્કાનીએ પકડી લીધા હતા. સચદેવાનો પરિવાર લોંગ ટર્મ વીઝા પર દિલ્હીમાં રહે છે. તેમણે વડાપ્રધાન મોદીને નાગરિકતા અંગે વિશેષ રીતે વિચાર કરવા માટે આગ્રહ કર્યો છે.

મીડિયા સાથેની વાતચીતમાં નિદાનસિંહે જણાવ્યું કે અફઘાનિસ્તાનના પહાડી વિસ્તારોમાં તાલિબાની આતંકવાદી જંગલના જાનવરની જેમ ફરતા રહે છે. ભગવાને મને બચાવી લીધો. હું આખી રાત સૂઇ શકતો ન હતો. તેઓ હંમેશા મારા માથે બંદૂક તાણીને ઉભા રહેતા. મને મારતા હતા, જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. તેઓ મારી આંગળીઓ અને નાક કાપવાની વાત કરતા હતા. એ લોકોએ મારા પર ભારત તરફથી જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો જે સંપૂર્ણપણે ખોટો છે.

હક્કાની નેટવર્કે સચદેવાને બોર્ડર પારથી પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વા પાસે પકડ્યા હતા. જોકે તેમને ભારત સાથે જાસૂસીની કોઇ લિન્ક ન મળી તો પછી છોડી મૂક્યા હતા. નિદાનસિંહે કહ્યું કે અફઘાનિસ્તાનમાં રહેતા શીખ હંમેશા ડરના માહોલમાં જીવે છે. અમારી માતાઓ-બહેનો એકલી ગુરૂદ્વારાના દર્શને નથી જઇ શકતી. પરિવારના એક પુરુષ મેમ્બરને સાથે જવું પડે છે. તેમણે કહ્યું કે હું વડાપ્રધાન મોદીને વ્યક્તિગત રીતે આભાર વ્યક્ત કરવા માગું છું. ભારતે જેવી રીતે માનવતા દેખાડી છે તેના માટે મારી પાસે શબ્દો નથી. તેમણે કહ્યું કે ભારતમાં તેમના ધર્મને કોઇ પ્રકારનો ખતરો નથી. તેમની માતાઓ-બહેનો ડર વિના અહીં ફરી શકે છે.

નિદાનસિંહના ભાઇ ચરણસિંહે કહ્યું કે અમે આતંકવાદીઓના કબ્જામાં નિદાનસિંહની તસવીર જોઇ હતી. અમને ખબર ન હતી કે તેઓ કઇ પરિસ્થિતિમાં છે. આજે તેમને અમારી સાથે જોઇને ખુબ જ આનંદ થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે ભારત સરકારને માનવીય આધાર પર અમને વીઝા આપવા જોઇએ.

ભારત પહોંચેલા શીખોનું સ્વાગત કરવામા આવ્યું. આ સમયે ભાજપ અને અકાલી દળના નેતા ઉપસ્થિત રહ્યા હતા.

ગુપ્ત સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ISIની ફન્ડિંગ વાળુ ખાલિસ્તાની નેટવર્ક આ પરિવારોનો પીછો કરી રહ્યું હતું. તેઓ ઇચ્છતા હતા કે આ લોકો ભારતની જગ્યાએ પાકિસ્તાનમાં શરણ લે. તેમના પ્રયત્નો હતા કે ખાલિસ્તાનના નામ પર તેમને ભારત વિરુદ્ધ ઉશ્કેરીને કટ્ટરવાદી બનાવવામા આવે અને હથિયાર ચલાવવાની તાલીમ આપવામા આવે. હવે ISIની એ કોશિષ નિષ્ફળ બની ગઇ છે.

દિલ્હી પહોંચનાર ગુરજીતસિંહે કહ્યું કે તેઓ ભારતને પોતાનો દેશ માને છે. જ્યાં દિવસ રાત જીવનો ખતરો રહેતો હતો ત્યાંથી નિકળીને તેઓ ખુશ છે. તેમણે કહ્યું કે ભારતમાં અમને સન્માન મળ્યું છે જ્યારે ત્યાં માત્ર અપમાન સહ્યું છે. ગુરજીતે કહ્યું કે જ્યારે અમે કાબુલમાં અમારી દુકાનોમાં બેસતા ત્યારે અમારા પર હુમલો કરવામા આવતો હતો. અમારા પૈસા છિનવી લેવામા આવતા હતા, ઘણા લોકોને મારી નાખવામા આવતા હતા.

ભારત પહોંચ્યા બાદ નિદાનસિંહે કહ્યું કે ભારતમાં તેમને કોઇ ખતરો નથી.

તે લોકો અમને કાફિર કહેતા હતા. જો અમે કાફિર હોઇએ તો ત્યાં રહેવાનો શું અર્થ છે ? અમારા શીખ ગુરૂઓએ બલિદાન આપ્યું છે. અમે ક્યારેય ધર્મ પરિવર્તન નથી કર્યું. તે લોકોએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં ડરથી મુક્ત રહેવા માટે બધુ કુરબાન કરી નાખ્યું છે. ગરજીતસિંહના પરિવારના ત્રણ લોકો કાબુલ હુમલામાં માર્યા ગયા હતા. તેમાં તેમના પિતા પણ સામેલ હતા.

આતંકવાદી હુમલા સિવાય ધાર્મિક પરિવર્તન પણ અફઘાનિસ્તાનમાં શીખ સમુદાય માટે એક ચિંતાનો વિષય રહ્યો છે. એક અનુમાન પ્રમાણે ભારતે 700થી વધુ અફઘાન શીખોને શરણ આપવા માટે મંજૂરી આપી છે. અફઘાનિસ્તાનના મોટાભાગના શીખો પલાયન માટે મજબૂર થયા છે. ત્યાં હવે શીખ કમ્યુનિટી વિલુપ્ત થવાના આરે છે.

અફઘાનિસ્તાનના એક્ટિવિસ્ટ ઓમિદ શરીફે મને જણાવ્યું કે આવું થવું મારા માટે દુખદાયક છે. મને શરમ આવે છે કે અમે અમારી વિવિધતાને બચાવ નથી શકતા અને અફઘાન લોકોને આવી રીતે તેમના ઘર છોડીને જવું પડે છે.

જ્યારે આતંકવાદીઓએ નિદાનસિંહને પકડી લીધા હતા ત્યારે આ તસવીર સામે આવી હતી

શીખ નેતા મનજીતસિંહે કહ્યું કે અમને આશા ન હતી કે નિદાનસિંહ સુરક્ષિત પાછા આવશે. અમને ડર હતો કે તેમની હત્યા ન થઇ જાય. અફઘાનિસ્તાનમાં શીખ સમુદાયના લોકોને ટારગેટ કરવામા આવે છે. હુમલા કરવામા આવે છે અને છોકરીઓનું અપહરણ કરવામા આવે છે. બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામા આવી રહ્યું છે. દરેક લોકોને અહીં શરણ આપવાની માંગ તેમણે સરકાર સમક્ષ કરીછે. તેમણે કહ્યું કે જો એવુ નહીં થાય તો ધીમે ધીમે સૌને મારી નાખવામા આવશે.

અફઘાન શીખ સમુદાય માટે ભારતમાં તેમનું જીવન શરૂ કરવું મુશ્કેલ જરૂર હશે પંરતુ તેમાંથી મોટાભાગના લોકો માટે આ એક પુનર્જન્મની જેમ છે જેઓ આતંકના કબ્જામાથી છૂટીને ભારતમાં પોતાનું ઘર બનાવવા આવ્યા છે.અફઘાનિસ્તાનથી 11 લોકો આજે ભારત પહોંચ્યા હતા. તેમાં નિદાનસિંહ પણ સામેલ છે જેમનું આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું.