કરણ જોહર-કાજોલથી અજય દેવગન-રોહિત શેટ્ટી સુધી, બોલિવૂડના સેલેબ્સ લડ્યાં-ઝઘડ્યાં, અલગ થયા પરંતુ આજે પણ સારા મિત્રો છે

કરણ જોહર-કાજોલથી અજય દેવગન-રોહિત શેટ્ટી સુધી, બોલિવૂડના સેલેબ્સ લડ્યાં-ઝઘડ્યાં, અલગ થયા પરંતુ આજે પણ સારા મિત્રો છેઆપણા દરેકના જીવનમાં મિત્રનું ઘણું મહત્ત્વ હોય છે. આપણા સૌની જેમ બોલિવૂડ સેલેબ્સના પણ ઘણા સ્પેશિયલ મિત્રો છે અને તેમની દોસ્તી વર્ષો જૂની છે. દરેકની જેમ આ સેલેબ્સ તેમના મિત્રો સાથે લડે છે અને પછી ફરીથી એક પણ થઇ જાય છે. જાણીએ બોલિવૂડના કેટલાક બેસ્ટ ફ્રેન્ડ્સ વિશે..

કરણ જોહર અને કાજોલ

કરણ જોહર અને કાજોલની મિત્રતા અને ઝઘડા કોઈથી છૂપાયેલા નથી. બંનેની મિત્રતા ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મથી શરુ થઇ હતી. બંને એકબીજાની નાની-મોટી ખુશીમાં સાથે દેખાતા. કરણની ઘણી ફિલ્મોમાં કાજોલ લીડ રોલમાં હતી અથવા તો કોઈને કોઈ રૂપે તે ફિલ્મમાં દેખાતી. પરંતુ એક સમય એવો આવ્યો કે, બંને વચ્ચે અંતર આવી ગયું. કરણની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કેલ’ અને કાજોલના પતિ અજયની ફિલ્મ ‘શિવાય’ એકસાથે રિલીઝ થવાનું કારણ જવાબદાર હતું. બંને પોતાની ફિલ્મ રિલીઝ ડેટ બદલવા માટે તૈયાર નહોતા. કાજોલે તેના પતિનો સાથ આપી કરણ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું. બંનેની ફિલ્મ એકસાથે રિલીઝ થઇ અને અજયની ફિલ્મને ઘણું નુકસાન પણ થયું. ત્યારબાદ બંને પહેલાં જેવા ન રહ્યા. કરણે તેની બાયોગ્રાફીમાં પણ કાજોલનું નામ લીધું નથી. કહેવાય છે ને સમય સાથે બધું સારું થઇ જાય છે. બંનેને પોતાની મિત્રતા યાદ આવી અને કરણે નેશનલ ટેલીવિઝન પર કાજોલનું નામ બુકમાં સામેલ ન કરવા માટે માફી પણ માગી હતી. આજે બંને સારા મિત્રો છે.

અજય દેવગન અને રોહિત શેટ્ટી

કાજોલની જેમ અજય પણ દોસ્તી નિભાવવામાં કોઈનાથી ઓછો નથી. અજય દેવગન અને રોહિત શેટ્ટી બાળપણથી મિત્રો છે. આથી જ રોહિતની મોટાભાગની ફિલ્મોમાં લીડ રોલમાં અજય હોય છે, પરંતુ થોડા સમય પહેલાં રોહિતે શાહરુખ ખાનને ‘દિલવાલે’માં કાસ્ટ કર્યો. આ વાતથી બંને વચ્ચે અંતર આવી ગયું. આ ફિલ્મ ફ્લોપ ગયા પછી રોહિતે ચોખવટ કરી હતી કે, હું આજે જે પણ છું તે અજયને લીધે છું. રોહિતે કહ્યું હતું, મારી ફિલ્મો ચાલી રહી નહોતી ત્યારે અજયે મારો સાથ આપ્યો હતો. મારી ફિલ્મો ફ્લોપ જતી હતી તેમ છતાં અજયે મારી સાથે કામ કર્યું. અજયે પણ જૂની વાતો ભૂલીને ફરીથી રોહિત સાથેની મિત્રતા દુનિયાને કહી હતી.

ફરાહ ખાન અને શાહરુખ ખાન

ફરાહ ખાન અને શાહરુખ ખાન બોલિવૂડમાં ગાઢ દોસ્તોમાંના એક છે.બંને એકબીજાની ફિલ્મોના ભાગ બનતા રહે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષો પહેલાં બંને વચ્ચે અંતર આવી ગયું. ફરાહ ખાનના પતિ શિરીષ કુંદર શાહરુખ ખાનને પોતાની એક ફિલ્મમાં કાસ્ટ કરવા માગતા હતા, પરંતુ શાહરૂખે તેની ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. તેવામાં ફરાહ ખાને પતિ સાથે કામ કર્યું અને શાહરુખથી મોઢું ફેરવી લીધું. આશરે 5 વર્ષ સુધી બંનેમાં કોલ્ડ વોર ચાલતું રહ્યું, પરંતુ બંનેના સંબંધ એકવાર ફરીથી સામાન્ય થઇ ગયા છે.

સલમાન અને સંજય દત્ત

સલમાન અને સંજય દત્ત બેસ્ટ ફ્રેન્ડસ છે. થોડા વર્ષ પહેલાં બિગ બોસ સીઝન 5 માં સંજય દત્ત હોસ્ટ કરી રહ્યો હતો, ત્યારે અચાનક મેકર્સે તેને રિપ્લેસ કરીને સલમાનને ફરીથી હોસ્ટ બનાવી દીધો. મેકર્સના નિર્ણયની અસર બંનેના સંબંધ પર પડી અને બંનેએ એકબીજા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું. સંજય દત્ત જ્યારે જેલમાં હતો ત્યારે સલમાન ખાન તેને મળવા પણ જતો હતો. સંજય ઘણી જગ્યાએ કહી ચૂક્યો છે કે બંને સારા મિત્રો છે અને હંમેશાં રહેશે.

અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ

અનુષ્કા શર્મા અને કેટરીના કૈફની મિત્રતા પણ કોઈથી છૂપાયેલી નથી રહી. બંને એક સાથે શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘જબ તક હૈ જાન’ અને ‘ઝીરો’માં કામ કર્યું છે. બંનેને એકસાથે ઘણા ચેટ શૉમાં જોવા મળ્યા છે, જ્યાં બંને એક્ટ્રેસ એકબીજાના વખાણ કરતાં જોવા મળે છે, પરંતુ આ બંને વચ્ચે પણ કેટલાક સમય પહેલાં ઝઘડો થયો હતો, ત્યારબાદ થોડો સમય સુધી એકબીજાથી બંને અળગા રહ્યા હતા. વાત એમ હતી કે કેટરીનાના મેકઅપ મેને તેને છોડી અનુષ્કા સાથે કામ કર્યું હતું. તેને લીધે કેટરીના અનુષ્કા શર્માથી નારાજ થઈ હતી, પરંતુ ફિલ્મ ‘ઝીરો’ સાથે આ ખટાશ દૂર થઈ હતી.

અર્જન કપૂર અને રણવીર સિંહ

અર્જન કપૂર અને રણવીર સિંહ ફિલ્મી દુનિયામાં આવતા પહેલાં જ એકબીજાના મિત્ર છે, પરંતુ ફિલ્મ ‘ગુંડે’ દરમિયાન તેમના વચ્ચે ઈગોને લીધે તકરાર શરૂ થઈ હતી. બંનેને એકબીજાની હાજરીથી અણગમો હતો, પરંતુ થોડા સમય પહેલાં જ તેમણે આ અણગમાને દૂર કર્યો હતો. હવે આ બંને મિત્રો અવોર્ડ ફંક્શન, ચેટ શૉઝ અને સોશિયલ મીડિયામાં એકબીજાની મજાક ઉડાવતા નજરે પડે છે. બંને ઘણી વખત એ કહેતા જોવા મળે છે કે, ‘યે દોસ્તી હમ કભી નહીં તોડેંગે’.

સલમાન ખાન અને શાહરુખ ખાન

મિત્રતાની વાત થાય અને તેમાં સલમાન ખાન અને શાહરુખ ખાનનું નામ ન આવે એવું તો બને જ નહીં. જોકે, થોડા સમય પહેલાં બંનેની મિત્રતામાં થોડી ખટાશ આવી છે. તેનું કારણ એશ્વર્યા રાય બચ્ચન ગણાય છે. વાત એમ છે કે સલમાન અને એશ્ચર્યાનું બ્રેક અપ થયું હતું અને તે દરમિયાન એશ્ચર્યા શાહરુખ ખાનની ફિલ્મોમાં કામ કરી રહી હતી. સલમાને શાહરુખના ફિલ્મ સેટ પર જઈને ઘણી બબાલ કરી હતી. ત્યારબાદ બંનેની મિત્રતામાં ખટાશ આવી ગઈ હતી. થોડા સમય બાદ ફરી મિત્રતા તો થઈ, પરંતુ વર્ષ 2008માં કેટરીના કૈફની પાર્ટીમાં નશાની હાલમાં આ બંને સ્ટાર્સ ફરી ઝઘડો કરી બેઠા. બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. ત્યારબાદ ઘણા વર્ષો સુધી બંનેએ એકબીજા સાથે વાતચીત પણ કરી ન હતી. વર્ષ 2014માં બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં બંને મનભેદ ભૂલી ગળે મળ્યા હતા. આજે બંને સારા મિત્રો છે.

સલમાન ખાન અને પ્રિટી ઝિન્ટા​​​​​​​​​​​​​​

સલમાન ખાન તેના મોટા મનને લીધે જાણીતો છે. તેની દોસ્ત પ્રિટી ઝિન્ટા પણ છે. પ્રિટીએ એક્ટિંગથી બ્રેક લઈ પ્રોડ્યુસર બનવાનું મન બનાવ્યું તો તે ફાઈનાન્શિયલ પ્રોબ્લેમમાં ફસાઈ ગઈ હતી. તેનું કારણ ફિલ્મસ ડિલે થવાનું હતું. એક સમય એવો આવ્યો કે પ્રિટીને લાગ્યું કે ન તો હવે ફિલ્મ બનશે ન તો તે પૈસા બચાવી શકશે. તે સમયે સલમાને તેની ફાઈનાન્શિયલ મદદ કરી ‘ઈશ્ક ઈન પેરિસ’ ફિલ્મ પૂરી કરી અને રિલીઝ કરાવી હતી. પ્રિટી ઘણી વાર જણાવી ચૂકી છે સલમાન હંમેશા ખડગની જેમ તેની સાથે રહે છે. બંને વચ્ચે ક્યારે પણ કોઈ ખટાશ આવી નથી.FriendShip Day Special: Bollywood Stars Who Are Best Friends In Real Life