રાજ્યમાં પોલીસના લોકરક્ષક દળમાં ભરતી મામલે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલી મહિલા ઉમેદવારોની સમસ્યાનો આખરે અંત આવ્યો છે. જિલ્લા ફાળવણી સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ થઇ જવા છતાં નિમણૂંકપત્રો નહીં અપાતા હોવાથી મહિલા ઉમેદવારોએ ફરી એકવાર આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારતા ડીજીપી શિવાનંદ ઝાએ શનિવારે જ તમામ મહિલા ઉમેદવારોને નિમણૂંક આપી દેવા સૂચના આપી હતી.
નિમણૂંક ના કરાતા ઉમેદવારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતીઝાએ તમામ પોલીસ કમિશનર અને જિલ્લા અધિક્ષકોને જણાવ્યું હતું કે નિમણૂંકપત્રો આપવાના બાકી છે તેવા તમામ ઉમેદવારોને મેડિકલ, ચારિત્ર્ય વેરીફિકેશન, દસ્તાવેજી ચકાસણી, બોન્ડ સહિત નિમણૂંક હૂકમ આપતા પહેલા કરવાની થતી તમામ કાર્યવાહી સમયમર્યાદામાં પૂર્ણ કરીને 4 જુલાઇના રોજ નિમણૂંક હુકમ આપી દેવા, તેમજ તમામ ઉમેદવારો 15મી જુલાઇના રોજ હાજર થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે અનામત મામલે ડિસેમ્બર મહિનાથી મહિલા ઉમેદવારો આંદોલન ચલાવી રહી હતી. મે મહિનામાં ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરાઇ હતી અને તે પછી 25 જૂન સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી પરંતુ નિમણૂંક નહીં અપાતા ફરી આંદોલનની ચિમકી આપી હતી.
ફાઇલ તસવીર