ઉપલેટાના મોટી પાનેલીમાં 2 દિવસમાં 29 ઇંચ વરસાદ, મોજ અને વેણુ ડેમ ઓવરફ્લો, સિદસર મંદિર પૂરના પાણીમાં ગરકાવ

ઉપલેટાના મોટી પાનેલીમાં 2 દિવસમાં 29 ઇંચ વરસાદ, મોજ અને વેણુ ડેમ ઓવરફ્લો, સિદસર મંદિર પૂરના પાણીમાં ગરકાવ



આજે દિવસ દરમિયાન સવારના 6 વાગ્યાથી લઈ બપોરના 4 વાગ્યા સુધીમાં ઉપલેટા તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો અને તાલુકાના ગામડાઓમાં ભાયાવદર ગામે આજે દિવસ દરમિયાન 85 મી.મી. વરસાદ નોંધાયો હતો. કુલ વરસાદ 409 મી.મી. નોંધાયો છે. ભારે વરસાદના પગલે ખાખીજાળીયા અને રૂપાવટી નદીમાં ઘોડાપૂર આવ્યું હોવાથી નદીના પાણી ભાયાવદર ગામમાં ઘૂસ્યાના સમાચાર મળી રહ્યા છે. આ સાથે ભાયાવદર નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહની દીવાલ પૂરના કારણેને ધારાશાયી થઇ છે. સ્મશાનના દરવાજો તેમજ ત્યાં ઉપયોગમાં લેવાતા લાકડાનો જથ્થો પણ સાથે તણાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આથી અંદાજે અઢી લાખ રૂપિયાની નુકસાની થઇ હોવાનું નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં બે દિવસમાં 29 ઇંચ વરસાદ નોંધાયો છે. આથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

સિદરસનું ઉમિયા માતાજીનુંમંદિર પાણીમાં ગરકાવછેલ્લા ત્રણ દિવસથી ઉપલેટા તાલુકામાં આવેલ બંન્ને ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે મોજ ડેમ આજે બપોરના 2 કલાકે ઓવરફ્લો થતા તેમના 20 પાટીયા ચાર ફૂટ જેટલા ખોલવાની ફરજ પડી છે તેમજ મોજ ડેમ સાઈટ ઉપર દિવસ દરમિયાન 30 મી.મી. વરસાદ નોંધાયો છે અને ગધેથડના વેણુ 2 ડેમ પર ગઈકાલે સવારે ઓવરફ્લો થયા બાદ આજે તેમના 17 દરવાજા 8 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. વેણુ ડેમ ઉપર આવેલા મોટી પાનેલીમાં 29 ઇંચ વરસાદથી સીદસર ઉમિયા સાગરમાં પણ ઘોડાપૂર જેવી સ્થિતિ વચ્ચે સિદસર ઉમિયા માતાજીના મંદિર સુધી પાણી પહોંચી ગયા છે.

ખેતરોનું મોટાપાયે ધોવાણ થતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યોઉપલેટા તાલુકાના બંને ડેમ ઓવરફ્લો હોવાથી મોજ અને વેણુ નદી બે કાંઠે વહેવા લાગી છે. તો બીજી તરફ વેણુ નદી વિસ્તારમાં આવતા નાગવદર અને વરજાંગજાળીયા ગામની અંદર નદીના પાણી પહોંચ્યા હતા. ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં નદી વિસ્તારમાં આવતા ખેતરોમાં પૂરના પાણી ઘૂસવાથી ખેડૂતોને મોટી નુકસાની થઇ હોવાનું જાણવા મળ્યું છે.

(અહેવાલ-તસવીરોઃ રોનક ચોટાઈ, ઉપલેટા)







સિદસર મંદિરમાં વેણુ નદીના પાણી ઘૂસી ગયા