Translate to...

ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3 ઈંચ, રાજુલામાં 1 કલાકમાં 2 ઈંચ, ભાવનગર અને વેરાવળમાં ધોધમાર વરસાદ

ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3 ઈંચ, રાજુલામાં 1 કલાકમાં 2 ઈંચ, ભાવનગર અને વેરાવળમાં ધોધમાર વરસાદ




સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયાઈકાંઠાના વિસ્તોરામાં આજથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ઉનાના દરિયાઈ પટ્ટીના ખજુદ્રા ગામમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોધાયો છે. આથી ગામ પાણી પાણી થઈ ગયું છે. તેમજ દરિયાઈ પટ્ટીના સીમર, દાંડી, સેજલિયા, સૈયદ રાજપરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ આજથી શરૂ થયો છે. કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. રાજુલા શહેરમાં પણ મૂશળધાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજુલામાં એક કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.

ગીર ગઢડા અને તાલાલામાં ધોધમાર વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે સવારના 10 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગીર ગઢડાના ધોકડવા, નગડીયા, જસાધાર, મોહબતપરા, અંબાડા, મોતીસર સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદથી મગફળી અને કપાસના પાકને નવું જીવન મળ્યું છે. ગીર સોમનાથના શહેરી વિસ્તારોમાં પણ સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. તેમજ તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે.

ભાવનગરમાં હળવા-ભારે ઝાપટાથી રસ્તા પર પાણી વહેતા થયા

ભાવનગરમાં ઝાપટા વરસી રહ્યા છે ભાવનગરમાં આજે બીજા દિવસે સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે બોરતળાવ, સરિતા સોસાયટી, વડલા, દેસાઈનગર, કાળીયાબીડ, હિલ ડ્રાઇવ સહિતના વિસ્તારોમાં વરસાદના હળવા-ભારે ઝાપટા વરસી રહ્યાં છે. વરસાદ વરસતા માર્ગો પર પાણી વહી રહ્યાં છે. સમગ્ર ભાવનગરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે .અડધા ભાવનગરમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વેરાવળ પંથકમાં કાજલી, સોનારિયા સહિત ગામડામાં ધોધમારવરસાદ વરસ્યો હતો.

ધારી પંથકમાં ધીમી ધારે વરસાદ ધારી પંથકમાં ઘણા દિવસો બાદ મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ધારી પંથકમાં ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. હવે ખેતરમાં ઉભેલા પાકને વરસાદની ખાસ જરૂર હતી ત્યારે આજે બપોર બાદ વરસાદી વાતાવરણ છવાયું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા

(ભરત વ્યાસ, ભાવનગર/જયેશ ગોંધિયા, ઉના, રાજેશ ભજગોતર, વેરાવળ, જયદેવ વરૂ, અમરેલી/અરૂણ વેગડા, ધારી)







રાજુલામાં મૂશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા