ગુજરાત સરકારે શુક્રવારે રાજ્યની નવી ઉદ્યોગ નીતિની ઘોષણા કરી હતી. નવી નીતિમાં ઔદ્યોગિક એકમ માટે બજાર ભાવના 6 ટકાના દરે 50 વર્ષ માટે સરકારી જમીન લીઝ પર આપવાની જોગવાઈ છે તો કેપિટલ સબસિડીની પણ રાહત જાહેર કરાઈ છે. આ સાથે MSME, સ્ટાર્ટ અપ્સ, નવા સંશોધન તથા એકમોને રિલોકેટ કરવા માટે વિવિધ પ્રકારની જોગવાઈઓ નવી નીતિમાં સામેલ છે. રાજ્યના ભૂતપૂર્વ ઉદ્યોગ સચિવ મહેશ્વર સાહૂએ ખાસ ભાસ્કર માટે આ અહેવાલ લખ્યો હતો.
ઘોષણા: ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ સહિતના સનરાઈઝ સેક્ટર્સ માટે ઇન્સેન્ટીવ ગુજરાતમાં નવા વિકસી રહેલાં ક્ષેત્રો જેવા કે ઇ-વ્હીકલ વગેરેને થ્રસ્ટ એટલે કે ખૂબ મહત્ત્વ અપાયું છે. બીજું છે સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન. આ એટલા માટે જરૂરી છે કે હવે નવી ટેકનોલોજીનો યુગ છે અને તેમાં સતત અપડેટ થતું રહે છે. અત્યારે જો આવાં સ્ટાર્ટ-અપ અને સનરાઇઝ સેક્ટરને પ્રમોટ કરાશે તો આવતાં ઘણાં વર્ષો સુધી ગુજરાત તેના મીઠા ફળ ચાખશે.
ઘોષણા: ઐદ્યોગિક એકમ માટે બજાર ભાવના 6% દરે સરકારી જમીન લીઝ પર મળશે આ નીતિમાં ઉદ્યોગોને સરકારી જમીન 6 ટકાના દરે લીઝ પર મળવાથી નવા આવનારા ઉદ્યોગોને શરૂઆત માટેની પડતર કિંમત ઘટી જશે. સૌથી પહેલો અને મોટો ખર્ચ જમીનને લઇને થાય છે તે ઘટી જશે. પરંતુ અહીં સરકારને એક બીજી બાબતનું ધ્યાન રાખવું જોઇશે કે જે જમીન ઉદ્યોગોને અપાય ત્યાં નોન-એગ્રિકલ્ચર ટાઇટલથી માંડીને અન્ય પ્રક્રિયા પહેલેથી જ તૈયાર કરીને અપાવી જોઇએ. બીજું કે તે વિસ્તારોમાં રોડ, વીજળી, પાણીથી માંડીને અન્ય માળખાકીય સુવિધાનું આયોજન હોવું જોઇશે. નહીંતર રોકાણકારને એવી જમીનમાં રસ નહીં પડે. અન્ય રાજ્યોમાં એવાં ક્લસ્ટર્સની નીતિ છે કે ઉદ્યોગો આવે તે પહેલાં ત્યાંની તમામ જમીનોના ટાઇટલ અને પ્રમાણપત્રો ક્લીયર કરાવવાની જવાબદારી રોકાણકારોના માથે આવતી નથી.
ઘોષણા: SGSTના વળતરોને ડી-લીંક કરીને કેપિટ સબસિડી અપાશે બીજો એક મહત્ત્વનો મુદ્દો છે કેપિટલ સબસિડી કે જેમાં એસજીએસટીના વળતર થકી સબસિડી ચૂકવણી કરવાની સિસ્ટમને બદલે પહેલેથી જ સબસિડી અપાશે અને તે સારી બાબત છે. ઉદ્યોગકાર પોતાની વસ્તુ વેચાય અને તેના પર એસજીએસટી કે અન્ય ટેક્સ લાગે તે પછી કેપિટલ સબસિડીરૂપે વળતર મેળવે તે ખૂબ લાંબી પ્રક્રિયા થઇ જાય. જો કે અહીં એક બાબત મેં ચકાસી કે તેને અલગ-અલગ તાલુકા કેટેગરીમાં વહેંચવામાં આવી છે. શક્ય છે કે સમગ્ર ગુજરાતના બધા તાલુકાને ઉદ્યોગ વિકાસનો લાભ મળે તે હેતુથી આ વિચારાયું હોય, પરંતુ નિવેશ કરનારો વ્યક્તિ તેને જ્યાં મહત્તમ લાભ મળશે ત્યાં જ નિવેશ કરશે. તેથી જે કેટેગરીમાં સૌથી ઓછો લાભ મળશે ત્યાં કદાચ નિવેશ ન આવે અને તેવા ક્ષેત્રના રોકાણકારો બીજા રાજ્યોમાં વળી જાય તેવું પણ બની શકે.
નવી ઉદ્યોગ નીતિની મુખ્ય લાક્ષણિકતાઓ
ઔદ્યોગિક વિકાસ માટે વર્ષે 8 હજાર કરોડના ખર્ચનો અંદાજ.ઉદ્યોગ નીતિની રચના માટે 9 ટાસ્ક ફોર્સ રચવામાં આવી હતી. મોટા ઉદ્યોગોને કેપિટલ સબસિડી તરીકે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 12 ટકાના ધોરણે રોકડ રકમ અપાશે. વાર્ષિક 40 કરોડની ટોચ મર્યાદામાં 10 વર્ષ માટે આ લાભ.MSME એકમોને 7 ટકા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી, વિદેશી ટેકનોલોજી ખરીદવા 50 લાખ રૂપિયા સુધીની સહાય.સ્ટાર્ટ અપ સીડ સપોર્ટ 20 લાખથી વધારીને 30 લાખ.દેશમાં કુલ પ્રસ્તાવિત મૂડીરોકાણમાં 51%હિસ્સો ગુજરાત, કુલ 49 અબજ ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ 49 અબજ ડૉલરના પ્રસ્તાવિત મૂડીરોકાણ સાથે ગુજરાતમાં દેશના કુલ મૂડી રોકાણનું 51 ટકા રોકાણ નોંધાયું છે. 2019માં દેશમાં પ્રસ્તાવિત મૂડી રોકાણમાં 49 ટકાનો વધારો થયો જ્યારે ગુજરાતમાં તે 333 ટકાનો વધારો થયો.
ગુજરાતમાં સૌથી ઓછો 3.4 ટકા બેરોજગારી દર રાજ્યમાં બેરોજગારીનો દર 3.4 ટકા સાથે દેશના મોટા રાજ્યોમાં સૌથી ઓછો છે. ગુજરાત પછી કર્ણાટકમાં 5.3 ટકા બેકારી દર છે. જ્યારે મહારાષ્ટ્રમાં 6.6 ટકા, તમિલનાડુમાં 7.2 ટકા અને આંધ્ર પ્રદેશમાં 7.8 ટકા બેરોજગારી દર છે.
ગુજરાતના ભૂતપૂર્વ ઉદ્યોગ સચિવ મહેશ્વર સાહૂ-ફાઇલ તસવીર.