ઉજ્વલા યોજના હેઠળ સપ્ટેમ્બર સુધી ગેસ સિલીન્ડર મફત મળશે, PM ગરીબ કલ્યાણ યોજનાને 3 મહિના લંબાવાઈ

ઉજ્વલા યોજના હેઠળ સપ્ટેમ્બર સુધી ગેસ સિલીન્ડર મફત મળશે, PM ગરીબ કલ્યાણ યોજનાને 3 મહિના લંબાવાઈવડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે બુધવારે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક અંગે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ઉજ્વલા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની સમય મર્યાદા વધારવામાં આવી છે. 1 જુલાઈથી તેને ત્રણ મહિના માટે વધારવામાં આવી છે. તેવી જ રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદ્દત પણ વધારી દેવામાં આવી છે. હવે આ યોજના હેઠળ નવેમ્બર સુધી લોકોને અનાજ મળશે.

તેમણે જણાવ્યું કે, જે કંપનીમાં 90% લોક રૂ. 15 હજારથી ઓછા પગારદાર છે તેમનું પ્રોવિડન્ટ ફંડ સરકારે ભર્યું છે. આનો 3.67 લાખ ઉદ્યોગો અને 72 લાખ કર્મચારીઓને લાભ થયો છે.

કેબિનેટના મહત્વના નિર્ણયો

ઉજ્વલા યોજના હેઠળ ઉપલબ્ધ ત્રણ સિલિન્ડરોની અવધિ જૂનથી સપ્ટેમ્બર સુધી લંબાવામાં આવી છે. આમાં રૂ. 13,500 કરોડનો ખર્ચ થશે અને 40 કરોડ લોકોને આનો લાભ મળશે. કેબિનેટે જૂનથી ઓગસ્ટ સુધીના અન્ય ત્રણ મહિના માટે 24% EPF શેરિંગ (કર્મચારીઓના 12% અને સંસ્થાના 12%)ને વધારવાની મંજૂરી આપી છે. જેમાં કુલ અંદાજિત ખર્ચ રૂ. 4,860 કરોડ થશે. આનો લાભ 72 લાખથી વધુ કર્મચારીઓને મળશે. કેબિનેટે ત્રણ જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ - ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ, નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ માટે રૂ. 12450 કરોડના મૂડી રોકાણને મંજૂરી આપી છે. જેમાં નાણાકીય વર્ષ 2019-20માં કરવામાં આવેલા રૂ. 2500 કરોડના રોકાણનો સમાવેશ છે.

Gas cylinders will be available free of cost till September under Ujwala Yojana, PM Garib Kalyan Yojana extended for 3 months