આશિષ નહેરાએ કહ્યું, 2011ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની ઇનિંગ્સમાં સચિનને રન બનાવવા બહુ મથવું પડ્યું હતું

આશિષ નહેરાએ કહ્યું, 2011ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની ઇનિંગ્સમાં સચિનને રન બનાવવા બહુ મથવું પડ્યું હતુંભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નહેરાએ ભારત પાકિસ્તાનના 2011ના વર્લ્ડ કપ મુકાબલાને યાદ કરતા કહ્યું કે, "સચિન તેંડુલકરે મેચમાં મહત્ત્વપૂર્ણ 85 રન કર્યા હતા. પરંતુ તેમણે તે ઇનિંગ્સમાં રન બનાવવા બહુ મથવું પડ્યું હતું. નસીબે પણ તેમનો સારો સાથ આપ્યો હતો." પાકિસ્તાને નબળી ફિલ્ડિંગ કરતા સચિનના ચાર કેચ છોડ્યા હતા. 27, 45, 70 અને 81 રને અનુક્રમે મિસ્બાહ ઉલ હક, યુનુસ ખાન, કમરાન અકમલ અને ઉમર અકમલે સચિનના કેચ છોડ્યા હતા.

સચિન લકના લીધે રમતા રહ્યા હતા

નહેરાએ ધ ગ્રેટેસ્ટ રાઇવ્લરી પોડકાસ્ટમાં કહ્યું કે, સચિનને પોતાને ખબર છે કે તેઓ એ મેચમાં નસીબદાર હતા. અગાઉ પણ સચિનને જીવનદાન મળ્યા છે, પરંતુ તે દિવસે જે રીતે કેચો છૂટ્યા અને નિર્ણય સચિનની તરફેણમાં આવતા રહ્યા, તેઓ લકના લીધે રમતા રહ્યા હતા.નહેરાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તમે વર્લ્ડ કપની વાત કરો છો, પછી ઇન્ડિયા-પાકિસ્તાન હોય કે ઇન્ડિયા-ઇંગ્લેન્ડ કે અન્ય કોઈ મેચ, દબાણનો સામનો કઈ રીતે કરો છો તેના પરથી મેચનું પરિણામ નક્કી થાય છે.

ભારતે પાક.ને 29 રને હરાવ્યું હતું

મોહાલી ખાતે ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.વિરેન્દ્ર સહેવાગે આક્રમક શરૂઆત કરતા 25 બોલમાં 38 રનની ઇનિંગ્સ રમી હતી. તેના સિવાય સુરેશ રૈનાએ 36, ગૌતમ ગંભીરે 27 અને એમએસ ધોનીએ 25 રન કર્યા હતા.સચિનના 85 રન બંને ટીમ વચ્ચેનો તફાવત હતો. તેમની ઇનિંગ્સ થકી ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 260 રન કર્યા હતા.જવાબમાં પાકિસ્તાન 231 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત માટે નહેરા, ઝહીર ખાન, મુનાફ પટેલ, હરભજન સિંહ અને યુવરાજ સિંહે 2-2 વિકેટ લીધી હતી.ફાઇનલમાં શ્રીલંકાને હરાવી ભારત 28 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

2011ના વર્લ્ડ કપમાં મોહાલી ખાતે પાકિસ્તાન સામે બેટિંગ દરમિયાન સચિન તેંડુલકર.