અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોંગકોંગ સ્વાયત્તતા કાયદા પર હસ્તાક્ષર કરી દીધા છે. સંસદે ચાલુ મહિનાની શરૂઆતમાં આ કાયદો પસાર કરી દીધો હતો. ટ્રમ્પે મીડિયાને કહ્યું કે આ કાયદા મુજબ ચીન સરકાર હોંગકોંગના લોકો પર દમનકારી હરકતો માટે જવાબદાર હશે અને અમેરિકાને આવી હરકતો સામે કાર્યવાહીનો અધિકાર હશે. ચીને હોંગકોંગની આઝાદી છીનવીને ત્યાંના લોકો માટે સારી તકો ખતમ કરી દીધી.
બીજી તરફ અમેરિકાના નિર્ણયથી ચીન રોષે ભરાયું છે. તેના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ ચીનની આંતરિક બાબતોમાં દખલ છે, જેનો બદલો લઇશું. ચીન પણ તેનાં હિતોના રક્ષણ માટે અમેરિકી લોકો અને સંસ્થાઓ પર નિયંત્રણો લાદશે.
સરાહના: ટિકટૉક બૅન કરીને ભારતે ચીન પાસેથી મોટું હથિયાર છીનવ્યુંઅમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ’બ્રાયને કહ્યું કે ભારતે ટિકટૉક બૅન કરીને ચીન પાસેથી મોટું હથિયાર છીનવી લીધું. તે ટિકટૉકના માધ્યમથી જાસૂસી કરતું હતું. અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોમાં પણ ટિકટૉક, વીચેટ સહિતની કેટલીક ચાઇનીઝ ઍપ્સ બૅન કરાય તેવી શક્યતા છે.
ચિંતા: અમેરિકી સાંસદે કહ્યું- ચીન એશિયાનો નકશો બદલવા માગે છેઅમેરિકી સાંસદ બૉબ મેનેન્ડેજે કહ્યું કે ચીનને તેના પડોશીઓની પડી નથી. તેથી અમને પ્રાદેશિક વિવાદોમાં ચીનના આક્રમક વલણ અંગે ભારે ચિંતા છે. ડોકલામ વિવાદ, સિક્કીમ-લદાખની સરહદ પરની તાજેતરની હિંસા અને ભુતાનના પ્રદેશ પર ચીનના નવા દાવા દર્શાવે છે કે તે એશિયાનો નકશો બદલી નાખવા ઇચ્છે છે.
અસર: હવે ચીનને હોંગકોંગથી નિકાસ કરવી મોંઘી પડશેચીન હોંગકોંગથી ચીજવસ્તુઓની નિકાસ કરીને અમેરિકાએ પોતાના પર લગાવેલા વ્યાપાર શુલ્કોથી બચી જતું હતું. હવે અમેરિકાએ હોંગકોંગ સ્વાયત્તતા કાયદો ઘડીને બતાવી દીધું કે તે હવે હોંગકોંગથી એક્સપોર્ટ થતી ચીજો પર પણ શુલ્ક લગાવશે. તેનાથી ચીનના વ્યાપાર પર ચોક્કસપણે અસર થશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ.