Translate to...

અમિત શાહને કોરોના, મેદાન્તામાં દાખલઃ યુપીના મંત્રીનું મોત, UP ભાજપ અધ્યક્ષ અને તમિલનાડુના ગવર્નર પણ પોઝિટિવ આવ્યા

અમિત શાહને કોરોના, મેદાન્તામાં દાખલઃ યુપીના મંત્રીનું મોત, UP ભાજપ અધ્યક્ષ અને તમિલનાડુના ગવર્નર પણ પોઝિટિવ આવ્યાકોરોનાનો કેર હવે દેશમાં ટોચની સત્તા સુધી પહોંચી ગયો છે. રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે. તેવી જ રીતે યુપીના એકમાત્ર મહિલા કેબિનેટમંત્રી કમલ રાનીનું કોરોનાથી મોત થયું છે. તમિલનાડુના રાજ્યપાલ તથા યુપી ભાજપ પ્રદેશ પ્રમુખ પણ કોરોના સંક્રમિત થયા છે. તો બીજીબાજુ 22 દિવસ પછી સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા અપાઈ છે. અમિત શાહે તેઓ સંક્રમિત થયા હોવાની માહિતી ટ્વિટ કરીને આપી.

ટ્વીટ કરી સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી તેમણે ટ્વિટમાં લખ્યું કે કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતાં મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે પણ ડૉક્ટર્સની સલાહથી હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારો અનુરોધ છે કે તાજેતરના દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તે લોકો પોતાને આઇસોલેટ કરીને ટેસ્ટ કરાવે. શાહને રવિવારે સાંજે 5 વાગ્યે ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરાયા. બીજી તરફ ઉત્તર પ્રદેશનાં ટેક્નિકલ શિક્ષણ મંત્રી કમલ રાની વરુણ (62)નું રવિવારે કોરોનાથી નિધન થયું. રાજ્યના એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી કમલ રાનીને કોરોના થયા બાદ 18 જુલાઇથી તેઓ લખનઉની એસજીપીજીઆઇમાં દાખલ હતા.

‘બિગ બી’ કોરોનામુક્ત થયા, અભિષેક હજુ હોસ્પિટલમાં અમિતાભ બચ્ચનના પ્રશંસકો માટે મોટા ખુશખબર છે. અમિતાભ કોરોના નેગેટિવ થતાં તેમને નાણાવટી હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપતાં લખ્યું કે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે હું હોમ ક્વોરેન્ટાઇન રહીશ. ઇશ્વરની કૃપા, માતા-પિતાના આશીર્વાદ અને મિત્રો-પ્રશંસકોની દુઆ સાથે નાણાવટીમાં નર્સિંગ સ્ટાફની ઉત્કૃષ્ટ સારસંભાળના કારણે મારા માટે આ દિવસ જોવાનું શક્ય બન્યું. તેમની પુત્રવધુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યાને પણ અગાઉ રજા મળી ચૂકી છે. જોકે, અભિષેક હજુ સ્વસ્થ નથી થયો. તેણે હજુ હોસ્પિટલમાં જ રહેવું પડશે.

તબિયત સારી છે, ડોક્ટરોના કહેવાથી હોસ્પિટલમાં દાખલ થયો : અમિત શાહ કોરોનાના પ્રારંભિક લક્ષણ જોવા મળતાં મેં ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે. પરંતુ ડોક્ટરે સલાહ આપી કે હોસ્પિટલમાં દાખલ થઈ જાવ એટલે મેદાન્તામાં દાખલ થયો છું. થોડા દિવસથી જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને વિનંતી છે કે તેઓ સ્વંય આઈસોલેટ થઈ જાય અને પોતાની તથા પરિરવાજનોની તપાસ કરાવે. - અમિત શાહ

ભગવાનની કૃપા અને મા-બાબુજીના આશીર્વાદથી આ દિવસ જોયો : અમિતાભ હું કોરોના નેગેટિવ આવ્યો છું. મને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. હવે હું ઘરમાં ક્વોરન્ટાઈન રહીશ. ભગવાનની કૃપા રહી તથા મા-બાબુજીના આશીર્વાદ, નજીકના સંબંધીઓ અને ફેન્સની દુઆ પણ કામ લાગી. નાણાવટી હોસ્પિટલની કાળજી પણ સરસ હતી. બધાએ ઘણું ધ્યાન રાખ્યું. તેમને કારણે જ હું આ દિવસ જોઈ શક્યો છું. - અમિતાભ બચ્ચન

યુપીના સીએમ યોગીએ અયોધ્યાની મુલાકાત ટાળી યુપીમાં અત્યાર સુધીમાં 7 મંત્રી કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. કમલ રાનીના નિધન અંગે સીએમ યોગી આદિત્યનાથે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી. યોગીએ રવિવારે અયોધ્યાની પ્રસ્તાવિત મુલાકાત પણ ટાળી. એસજીપીજીઆઇના ડૉ. અમિત અગ્રવાલે જણાવ્યું કે કમલ રાનીને ન્યૂમોનિયા થઇ ગયો હતો. તેઓ પહેલેથી ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને થાઇરોઇડથી પીડાતા હતા.

હવે રાજભવન સુધી કોરોનાનો કેર પહોંચ્યો ચેન્નઇઃ તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ કોરોના સંક્રમિત જણાયા છે. તેમનામાં લક્ષણો ન દેખાયા હોવાથી તેમને હોમ આઇસોલેશનમાં રહેવા સલાહ અપાઇ છે. આ અગાઉ રાજભવનની આસપાસ તહેનાત 87 કર્મચારી પણ કોરોના પોઝિટિવ જણાયા હતા. તેવી જ રીતે ઉત્તરપ્રદેશના ભાજપ પ્રદેશ પ્રમુખ પણ પોઝિટિવ જણાયા છે. તેઓ પણ સ્વંય આઈસોલેટ થઈ ગયા છે.

શાહ પીએમ સાથે કેબિનેટમાં સામેલ હતા, 20 મંત્રી પણ હતા ગયા બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમિત શાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારામન, નીતિન ગડકરી, રમેશ પોખરિયાલ, રવીશંકર પ્રસાદ સહિત 20 મંત્રીઓ પણ હાજર હતા. જોકે તેમાં 2 ગજનું શારીરિક અંતર પાળવામાં આવ્યું હતું. પરંતુ હજુ એ સ્પષ્ટ થયું નથી કે, શાહ અને મોદી વચ્ચે રૂબરૂ મુલાકાત યોજાઈ હતી કે કેમ. 1 ઓગસ્ટે અમિત શાહ એક કાર્યક્રમમાં પક્ષના ઉપપ્રમુખ વિનય સહસ્ત્ર બુદ્ધે સાથે હાજર હતા. 22 જુલાઈએ અમિત શાહ પક્ષના બુજુર્ગ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ મળ્યા હતા. અમિત શાહના સ્ટાફને પણ સ્પષ્ટ કરી દેવાયું છે કે તેઓ પણ ટેસ્ટ કરાવે. તેવી જ રીતે ગૃહમંત્રાલયના ટોચના અધિકારીઓને પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા જણાવી દેવાયું છે. શાહ છેલ્લા દિવસોમાં કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ થઈ રહી છે.અમિત શાહ - ફાઇલ તસવીર