અમદાવાદમાં 2018માં વેપારી સુરેશ શાહની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ શેખવા વિરૂદ્ધ ACBમાં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. રાજુ શેખવા પર ખંડણી સહિતના ગુના અગાઉ દાખલ થઇ ચૂક્યા છે. આરોપીએ તેના પરિવારજનોના નામે કરોડો રૂપિયાની મિલકત ખરીદી છે. રાજુ શેખવા હાલ ગોંડલ સબ જેલમાં છે. અમરેલી SPએ ACBમાં રિપોર્ટ કરતા કાર્યવાહી હાથ ધરી છે. રાજુ શેખવા અમરેલીના લીલીયામાં મામલતદાર કચેરીમાં ક્લાર્કની નોકરી છે પરંતુ હત્યા કેસમાં તેનું નામ નીકળતા તેને ફરજ મોકુફ કરવામાં આવ્યો છે.
અમરેલી SPએ જૂનાગઢ ACBને સાથે રાખી કાર્યવાહી હાથ ધરી
રાજુ શેખવાએ રાજ્ય સેવક તરીકે અપ્રમાણિત રીતે ગેર કાયદેસરની રીત રસમોથી કરોડો રૂપિયાની જમીનો, મિલકતો અને સાધનો પોતાના તેમજ પોતાના પરિવારજનોના નામે ખરીદ્યા હોવાની પ્રાથમિક માહિતી અને દસ્તાવેજો અંગેની માહિતી અમરેલી SP નિર્લિપ્ત રાયને ACBએ પૂરી પાડી હતી આથી નિર્લિપ્ત રાયે જૂનાગઢ ACBને સાથે રાખી બે મહિનામાં કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ફરજના હોદ્દા અને ફરજના કાયદેસરની આવકના સ્ત્રોતમાંથી 1 કરોડ, 26 લાખ, 1950 રૂપિયાના પ્રમાણમાં 93 લાાખ, 41 હજાર 681 રૂપિયા એટલે કે 74.13 ટકા જેટલી વધુ મિકલતો અને ખર્ચ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. એટલે કે 93 લાખ 41 હજાર 681 રૂપિયા સ્થાવર અને જંગમ મિલકતમાં રોકાણ અને ખર્ચ થયેલ હોવાનું અને જે આવકની તુલનાએ અપ્રમાણસર હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.
2018માં રાજુ શેખવાએ સોપારી આપી સુરેશ શાહની હત્યા કરાવી હતીગત 10 માર્ચના રોજ કેટલાક શખ્સો દ્વારા વાસણાની લાવણ્ય સોસાયટીમાં મહાદેવના મંદિરે દર્શન કરવા ગયેલા વેપારી સુરેશ શાહની ગોળી મારી હત્યા કરી હતી. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રેકી કરનાર અને હત્યામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ પાંચ દિવસ અગાઉ શાર્પશૂટર રવુ કાઠીની ચોટીલાથી ધરપકડ કરી હતી. સુરેશ શાહ પર રવુ કાઠીએ ગોળી ચલાવી હતી. રવુ કાઠીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રાજુ શેખવાએ સુરેશ શાહની સોપારી ઘનશ્યામ ઉર્ફે ઘનો અને રવુ કાઠીને આપી હતી. હત્યાના બે-ત્રણ દિવસ અગાઉ રાજુ શેખવાએ એક તમંચો અને કારતૂસ આપ્યાં હતા.(જયદેવ વરૂ, અમરેલી)
રાજુ શેખવા લીલીયા મામલતદાર કચેરીમાં ક્લાર્કની ફરજ બજાવે છે, હાલ ફરજ મોકુફ છે (ફાઇલ તસવીર)